નવી દિલ્હીઃ સ્વિસ બેન્કોમાં ગુપ્ત ખાતાં ધરાવતા ભારતીયોની માહિતી ધરાવતો પાંચમો સેટ સ્વિટ્ઝર્લેન્ડની સરકાર દ્વારા ભારતને આપવામાં આવ્યો છે. જેમાં ભારતના નાગરિકો, કંપનીઓ તેમજ ટ્રસ્ટોનાં ગુપ્ત ખાતાંની વિગતો જાહેર કરાઈ છે. ભારત અને સ્વિસ સરકાર દ્વારા કરવામાં આવેલા કરાર મુજબ બંને દેશો વચ્ચે સ્વિસ બેન્કોનાં ગુપ્ત ખાતાંની માહિતીની આપ-લે કરવામાં આવે છે. સ્વિસ બેન્કોમાં 104 દેશનાં 36 લાખથી વધુ બેન્ક ખાતાં છે, જેની વિગતો જે-તે દેશની સરકારો સાથે કરાયેલા વાર્ષિક ઓટોમેટિક ઇન્ફર્મેશન એક્સચેન્જ કરાર હેઠળ આપવામાં આવે છે. ભારતને સ્વિસ સરકાર દ્વારા આવી માહિતી ધરાવતો પાંચમો સેટ મળ્યો છે, જેમાં કેટલીક વ્યક્તિઓ, કંપનીઓ અને ટ્રસ્ટોનાં એક કરતાં વધુ ગુપ્ત ખાતાંની સંખ્યાબંધ નાણાકીય વિગતો સમાવવામાં આવી છે.
કઈ-કઈ વિગતો મળી?
ભારતને મળેલા પાંચમા સેટમાં જે-તે વ્યક્તિની ઓળખ, નાણાકીય અને ખાતાની વિગતો, નામ, સરનામું, કયા દેશના નાગરિક છે તેની વિગતો આપવામાં આવી છે. આ ઉપરાંત ટેક્સનો આઇડેન્ટિફિકેશન નંબર, નાણાકીય સંસ્થા સાથેના વ્યવહારોની વિગતો, બેન્ક ખાતાનું બેલેન્સ તેમજ મૂડી આવકને લગતી વિગતો સમાવવામાં આવી છે.
ખાતાંની વિગતો જાહેર કરવા ઇનકાર
અધિકારીઓ દ્વારા સ્વિસ બેન્કનાં ગુપ્ત ખાતાંની વિગતો જાહેર કરવા ઇનકાર કરાયો હતો. તેમણે કહ્યું હતું કે, બંને દેશના કરાર મુજબ આવી માહિતી ગુપ્ત રાખવી પડે છે. જો તે જાહેર કરવામાં આવે તો વધુ તપાસની કામગીરીમાં તેની માઠી અસર પડે છે. આવી માહિતીનો ઉપયોગ જે-તે વ્યક્તિ કંપની કે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી કરચોરીની તપાસ માટે તેમજ ગેરરીતિની તપાસ માટે કરાય છે. મની લોન્ડરિંગ તેમજ ટેરર ફન્ડિંગની તપાસમાં તેનો ઉપયોગ કરાય છે. સ્વિસ સરકાર દ્વારા ભારતને ગયા મહિને આ માહિતી આપવામાં આવી હતી.

