માણાવદરની બે દીકરીઓ ઇઝરાયલ આર્મીમાં

Wednesday 11th October 2023 06:05 EDT
 
 

જૂનાગઢ: ઇઝરાયલ પર હમાસ અને હિઝબુલ્લાના હુમલા સામે લડનારી ઇઝરાયલ આર્મીમાં માણાવદરના નાના એવા એક ગામના પરિવારની બે દીકરી પણ ફરજ બજાવી રહી હોવાનું સામે આવ્યું છે.
માણાવદરના 1200 ની વસ્તી ધરાવતા કોઠડી ગામમાં રહેતા ભરતભાઈ મુળિયાસિયાએ કહ્યું કે, તેમના બે કાકા જીવાભાઈ વર્ષ 1989માં અને તેના નાના કાકા સવદાસભાઈ 1996માં ઇઝરાયેલ જતા રહ્યા છે. ત્યાં તેઓને ઇઝરાયેલનું નાગરિકત્વ મળ્યું છે, તે બંને ભાઈઓની એક-એક દીકરી હાલ ઇઝરાયેલ આર્મીમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે. હાલની યુદ્ધની સ્થિતિએ પણ બંને બહેનો ફરજ બજાવી રહી છે. ત્યાંનો નિયમ છે કે એક ઘરમાંથી એક વ્યક્તિને ફરજિયાત આર્મીમાં જોડાવાનું હોય છે, ત્યારે જીવાભાઈ અને સવદાસભાઈની દીકરીઓ આર્મીમાં છે અને સુરક્ષિત પણ છે. પરિવાર સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, જ્યારે મિસાઇલમારો કરવામાં આવે તે પહેલાં સાઇરન વાગે અને ત્યાં દરેક ઘરમાં રહેલા બંકરમાં નાગરિકો જતા રહે છે. હાલની સ્થિતિ એવી છે કે ત્યાં ઇઝરાયેલ બોર્ડર પર ગંભીર સ્થિતિ છે, પરંતુ સેન્ટ્રલ વિસ્તારમાં કોઈ તકલીફ નથી. ઇઝરાયેલમાં ગુજરાતી લોકો ઘણા છે, ગામના સરપંચ ભરમીબેનના પતિ રામદેભાઈ મુળિયાસિયાએ જણાવ્યું કે, તેમના કોઠડી ગામમાંથી અનેક યુવાનો 30-35 વર્ષથી કામધંધા માટે ગયેલા છે, અને તેમની સાથે વાતચીત કરતાં તેઓ સલામત અને સુરક્ષિત છે.


comments powered by Disqus