અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ - હેડ ઓફ ધી મિશન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદેશમંત્રી જયશંકર ઉપરાંત ઇન્ડોનેશિયા, જાપાન, ફ્રાન્સ, અલ્જેરિયા, બેલારૂસ, આર્જેન્ટિના, બ્રાઝિલ, યુએઈ, ઇજિપ્ત, વિયેતનામ, વેનેઝુએલા, મોરોક્કો, ઓમાન, ફિનલેન્ડ, હંગેરી, કોરિયા, રવાન્ડા, નીરુ, મોઝામ્બિક સહિતના વિવિધ 119 રાષ્ટ્રના ડિપ્લોમેટ્સ રાજદ્વારીઓ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત દેશ અને દુનિયાના મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત થયું છે. પ્રોએક્ટિવ પોલિસીઝ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ અને ઉચ્ચ જીવનધોરણ જેવાં પરિબળો થકી ગુજરાત દુનિયાભરના રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે.
આગામી 10 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ થકી મુખ્યમંત્રીએ દુનિયાના વિવિધ દેશો સાથે ગુજરાતની સહભાગિતાનું ફલક વધારવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્લ્ડક્લાસ રોડ, રેલવે, પોર્ટ અને એરપોર્ટ કનેક્ટિવિટીને કારણે ગુજરાતની પહોંચ વિદેશમાં જ નહીં, પરંતુ એશિયા, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને યુરોપીય દેશોની બજારો સુધી છે. ફોર્ચ્યૂન-500 કંપનીમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત્ છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બ્રેઇન ચાઇલ્ડ કોન્સેપ્ટ છે. હવે આ સમિટ બિઝનેસ, નેટવર્ક, નોલેજ શેરિંગ, સોશિયો- ઇકોનોમિક ડેવલપમેન્ટ તેમજ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે એક પ્રતિષ્ઠિત વૈશ્વિકમંચ બની ગઈ છે.
પ્રધાનમંત્રીનાં જાહેર જીવનનાં 22 વર્ષ
હેડ ઓફ ધી મિશન બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી મોદીને જેમના જાહેર જીવનનાં 22 વર્ષ પૂર્ણ થવા અંગે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001માં 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનની ધુરા સંભાળી હતી.
પાર્ટનર કન્ટ્રી તરીકે ત્રણ દેશ જોડાયા
વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે ત્રણ દેશ જોડાયા છે, જેમાં જાપાન, મોઝામ્બિક અને મોરોક્કોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આફ્રિકાના અનેક દેશ સાથે સંબંધ હોવાથી આ સમિટમાં આફ્રિકન દેશોના પ્રતિનિધિ મંડળ મોટી સંખ્યામાં હાજર રહેશે, તેમજ પાર્ટનર કન્ટ્રી તરીકે પણ જોડાશે.

