સિદ્ધપુરમાં માતૃતર્પણ માટે 2600 પરિવાર ઊમટ્યા

Wednesday 11th October 2023 06:29 EDT
 
 

સિદ્ધપુરઃ હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષનું વિશેષ મહત્ત્વ હોઈ માતાના ઋણમાંથી મુક્તિ મેળવવા શ્રદ્ધાળુઓ સિદ્ધપુર બિંદુસરોવર ખાતે આવે છે. શનિવારે ભાદરવા વદ નોમને લઈને સવારથી યાત્રાળુઓનો પ્રવાહ બિન્દુ સરોવર તરફ રહ્યો હતો, જ્યાં મોડી સાંજ સુધી તર્પણવિધિ કરાઈ હતી. માતૃતર્પણ વિધિથી અંદાજિત 2600 પરિવારે માતૃઋણમાંથી મુક્તિ મેળવી હતી.
ભાદરવા વદ નોમના દિવસે સિદ્ધપુર બિન્દુ સરોવર ખાતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાંથી માતૃતર્પણ કરવા માટે કપિલ આશ્રમ ખાતે 2600થી વધુ પરિવારે પિંડદાન કરી માતૃઋણ અદા કર્યું હતું. જેમાં મહારાષ્ટ્રથી 1200, ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી 400, જ્યારે ગુજરાતના કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતથી 1000 પરિવારો દ્વારા આ તીર્થભૂમિમાં માતૃતર્પણ કરી માતૃઋણમાંથી મુક્ત થવાનો આત્મસંતોષ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus