ઓછી ઊંચાઈ પણ ઊંચી સિદ્ધિ 3 ફૂટની વૃંદિની બની અધ્યાપક

Wednesday 12th April 2023 07:58 EDT
 
 

સુરતઃ સુરતની વૃંદિની કૌશિકકુમારે ઊંચાઈમાં સૌથી નીચી (માત્ર 3 ફૂટ આસપાસ) હોવા છતાં તેણે અધ્યાપક બનવા જેવી વિરાટ સફ્ળતા મેળવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થિની પટેલ વૃંદિની કૌશિકકુમાર કે જેની હાઇટ સામાન્ય માણસ કરતાં ઘણી નાની છે. તેણે હાલમાં જ GSET પાસ કરી છે. તેની આ સફળતા દ.ગુજરાત યુનિવર્સિટી માટે જ નહીં આજના યુવાનો માટે તથા તમામ લોકો માટે ખૂબ ગૌરવની વાત છે. કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા કહે છે કે, તેનું સ્વપ્ન છે કે તે અધ્યાપક બની શકે, પરંતુ તેમની નાની હાઇટના કારણે તેને કઈ કોલેજ એક અધ્યાપક તરીકે નોકરી આપશે તે મોટો સવાલ હતો.
GSETની પરીક્ષામાં દિવ્યાંગ પરીક્ષાર્થીઓ 30 ટકાએ પાસ થઈ શકે. વૃંદિનીને આ કેટેગરીમાં આવવું ન હતું એટલે તેણે સામાન્ય વ્યક્તિ તરીકેની કેટેગરીમાં રહીને આ કેટેગરીની મર્યાદાને પણ પાર કરીને 51 ટકા સાથે GSET પાસ કરી.
વૃંદિની તેના પિતાના ટ્યૂશન ક્લાસમાં અકાઉન્ટિંગ, ઓડિટિંગ ભણાવે છે. તેના પિતા કૌશિકકુમારે પણ ભણાવવાની એવી અનોખી તાલીમ આપી છે કે તે બ્લેકબોર્ડનો ઉપયોગ કર્યા વગર જ વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી મગજમાં સીધું ઉતરે તે રીતે ભણાવી શકે છે. હાલમાં તેની પીએચડી ઉધના સિટીઝન કોલેજના અધ્યાપક ડો. ક્રીના શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.


comments powered by Disqus