દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અશોક શર્મા દ્વારકા દર્શને પધાર્યા હતા. તેઓએ દ્વારકાધીશનાં દર્શન કરી નિર્દેશ આપતાં કહ્યું હતું કે દ્વારકાધીશજીના ધ્વજારોહણનું ખૂબ મહત્ત્વ છે અને તેમાં વારંવાર થતા અકસ્માતને નિવારવા સલામતી સાથે સુરક્ષાના મુદ્દાને ધ્યાને લઈ દ્વારકા જગતમંદિરના શિખરે ઇલેક્ટ્રિક ઉપકરણથી ધ્વજારોહણની વિચારણા થશે. ઉપરાંત જગત મંદિરના વિકાસના ભાગરૂપે રાજ્ય સરકાર નવ નિર્માણાધીન કોરિડોરના વિકાસને પ્રાધાન્ય આપતી હોવાનું પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. ઉપરાંત મંદિર પરિસર અને શહેરની સ્વચ્છતા પર ભાર મૂકવા તેઓએ પાલિકાને કેટલાંક ખાસ પ્રકારનાં સૂચનો કર્યાં હતાં.
હાલ અંબાજી અને સોમનાથ મંદિરે ધ્વજારોહણ ઇલક્ટ્રિક ઉપકરણથી થઈ રહ્યું છે. ત્યારે દ્વારકા કલેક્ટરે કહ્યું કે સોમનાથ મંદિરે પણ ઇલેક્ટ્રિક ઉપકરણથી ધ્વજારોહણ શરૂ કરી શકશે.

