દાહોદઃ મધ્યપ્રદેશ રાજ્યના કદવાલ ગામની 27 વર્ષીય યુવતીને નવમા મહિને ફૂલેલા પેટ અને પ્રસવની પીડા સાથે દાહોદના ડો. રાહુલ પડવાલને ત્યાં લવાઈ હતી. હોસ્પિટલમાં લાવવામાં આવતાં મહિલાને પ્રસવપીડા થઈ રહી હતી. યુવતીની માતા સુવાવડ ક્યારે થશે તે અંગે ડોક્ટરને પૂછે છે, પરંતુ સોનોગ્રાફી બાદ ડો. રાહુલ પડવાલે આપેલો જવાબ આશ્ચર્યજનક હતો. ડોક્ટર રાહુલે કહ્યું, ‘પેટમાં બાળક છે જ નહીં.’ આ સાંભળતાં જ માતા અને પ્રસવપીડા ભોગવી રહેલી યુવતી આશ્ચર્યમાં પડી જાય છે. યુવતીના પતિએ દલીલ કરતાં કહ્યું હતું કે, ત્રીજા મહિને અમારે ત્યાં ચેક કરાવ્યું ત્યારે બાળક હોવાનો રિપોર્ટ આવ્યો હતો.
સહુ કોઈને આશ્ચર્ય પમાડે તેવી સ્થિતિ ઉદભવતાં મહિલાનું MRI કરાવતાં રેડિયોલોજિસ્ટ ડો.શિવાનીને પણ આશ્ચર્ય થયું હતું. ડો. પડવાલના રિવ્યૂ બાદ આ કેસ મોલર પ્રેગ્નન્સી સાથે હૂક ઇફેક્ટનો હોવાનું જણાયું, જે જવ્વલે જોવા મળતી ઘટના હતી. આમ તો દર હજાર મહિલાએ એક મહિલાને મોલર પ્રેગ્નન્સી થઈ શકે છે, પરંતુ 36 માસે મોલ૨ પ્રેગ્નન્સીનો આ પ્રથમ કિસ્સો હતો. આ કિસ્સામાં મહિલા ગર્ભવતી તો થાય છે, પરંતુ ભ્રૂણનો વિકાસ થતો નથી. તે નાના પરપોટાની જેમ વિકસે છે.
આવી પરિસ્થિતિ શા માટે સર્જાય?
સામાન્ય રીતે કોઈપણ તંદુરસ્ત ભ્રૂણના વિકાસ માટે શુક્રાણુ અંડકોષ સાથે મળે છે. તેવી જ રીતે પિતામાંથી મળેલા રંગસૂત્રોની એક જોડી (ક્રોમોઝોમ) અને માતાના રંગસૂત્રોની એક જોડી ભ્રૂણમાં ઊતરે છે, પરંતુ આ કિસ્સામાં તંદુરસ્ત શુક્રાણુના કોષ એક ખાલી અંડકોષમાં જોડાય છે જેની અંદર કોઈ રંગસૂત્ર હોતા નથી. આવા કિસ્સામાં ભ્રૂણમાં માત્ર નર રંગસૂત્ર હોય છે, તેને ‘મોલ૨ પ્રેગ્નન્સી’ કહેવાય છે.
મારા કરિયરમાં પ્રથમ ઘટના છેઃ ડોક્ટર
ડો.રાહુલ પડવાલે કહ્યું હતું કે, મારા ગાયનેકના કરિયરમાં આ પ્રથમ ઘટના છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનોએ ડેટિંગ સોનોગ્રાફી કરાવવી જોઈએ, જેથી 9 માસ બાદ કોઈ માતાનું હૃદય ના તૂટે.

