વડોદરાઃ રામનવમીએ ભગવાન રામની શોભાયાત્રા પર ફતેપુરામાં પથ્થરમારાની ઘટના બાદ હનુમાન જયંતી નિમિત્તે નીકળનારી શોભાયાત્રામાં પોલીસ દ્વારા સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. વડોદરામાં આશરે એક હજાર ભક્તો સાથે નીકળેલી બજરંગબલીની શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી.
બજરંગબલીની શોભાયાત્રા નીકળી તે દરમિયાન ફતેપુરા વિસ્તારમાં આવેલી લઘુમતી કોમની દુકાનો બંધ રહી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર શી ટીમના 40 સભ્યો તહેનાત રાખવામાં આવ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળેલી આ શોભાયાત્રા સાડા ત્રણ કલાકમાં જ સંપન્ન થઈ ગઈ હતી.
શોભાયાત્રા પૂર્વે શોભાયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી રિહર્સલ કરવામાં આવ્યું હતું, તો શોભાયાત્રા દરમિયાન ડીઆઇજી અને એસપી કક્ષાના 4 અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિવાય પોલીસ દ્વારા 18 ડીપ પોઈન્ટ અને સંવેદનશીલ વિસ્તારમાં 15 ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યાં હતાં. આ સિવાય 2 ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરાયો હતો, તો સીસીટીવીથી સજ્જ વાન દ્વારા પણ નિરીક્ષણ કરાયું હતું.

