આ વર્ષે ઘણાં મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપમાં મોટાં પરિવર્તન કરવામાં આવી રહ્યાં છે. અપેક્ષા સેવાઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રધાનમંડળમાં પણ ફેરફાર કરી શકે છે.
• મણિપુરમાં બન્ને સમુદાયે ડ્રોન તહેનાત કર્યાઃ મણિપુરના મૈતેઈ સમાજના લોકો અને કુકી આદિવાસીઓ વચ્ચે બે મહિનાથી હિંસા ફાટી નીકળી છે. એવા અહેવાલો છે કે હવે આ બંને સમુદાયનાં જૂથ એકબીજાની છુપાવાની જગ્યા જાણવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા લાગ્યા છે. સુરક્ષાદળોને ડ્રોનની જાણકારી મળી છે. સુરક્ષાદળો હિંસાની જાણકારી મેળવવા ડ્રોનનો ઉપયોગ કરી
રહ્યા છે.
• કાશ્મીરના લોકો શાંતિથી જીવે છેઃ સરકારઃ કેન્દ્ર સરકારે સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું હતું કે, કલમ 370 દૂર થતાં રાજ્યના લોકો શાંતિથી જીવી રહ્યા છે. સરકારે કહ્યું કે, મે 2023માં શ્રીનગરમાં જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન ખીણના પ્રવાસન ઇતિહાસમાં એક સીમાચિન્હરૂપ ઘટના હતી. આર્ટિકલ 370 નાબૂદ થવાથી આતંકવાદી ક્ષેત્ર ટૂરિઝમ સ્પોટમાં ફેરવાઈ ગયું છે.
• અમેરિકી રાજદ્વારી દલાઈલામાને મળતાં ચીનનો વિરોધઃ દલાઈ લામાને મુદ્દે ચીન હંમેશાં નારાજ રહે છે. અમેરિકી રાજદ્વારી ઉજરા જૈયાએ નવી દિલ્હીમાં દલાઈ લામા સાથે મુલાકાત કરતાં ડ્રેગન ચિડાઈ ગયું છે. તેણે કહ્યું કે, તિબેટના કેસમાં કોઈ બહારી તાકાતને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. જૈયા અમેરિકાના નાગરિક સુરક્ષા, લોકશાહી અને માનવ અધિકાર બાબતોના નાયબ પ્રધાન છે.
• ચીનના હિસ્સા તરીકે રહેવા માટે તૈયારઃ દલાઈ લામાઃ તિબેટના આધ્યાત્મિક વડા દલાઈ લામાએ શનિવારે બેઇજિંગ સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ચીન બદલાઈ રહ્યું છે અને હવે તેને અહેસાસ થયો છે કે તિબેટિયન લોકો ખૂબ જ મજબૂત છે. મેં ઘણાં વર્ષો પહેલાં સ્પષ્ટ કરી દીધું છે કે અમે સંપૂર્ણ સ્વતંત્રતા નથી ઇચ્છતા.
• DRDOના વિજ્ઞાનીએ માહિતી લીક કરી હતીઃ હનીટ્રેપમાં ફસાયેલા ડીઆરડીઓના વિજ્ઞાની પ્રદીપ કુરુલકરની ધરપકડ કરવામાં આવ્યા બાદ મોટો ખુલાસો થયો છે. ડીઆરડીઓના વિજ્ઞાની પ્રદીપ કુરુલકર પાકિસ્તાની મહિલા ઇન્ટેલિજન્સ પ્રત્યે ખૂબ આકર્ષિત હતા. એ વખતે મહિલા જાસૂસને વિજ્ઞાની કુલકર સાથે ડિફેન્સ પ્રોજેક્ટ ઉપરાંત મિસાઇલ સિસ્ટમની માહિતી આપી હતી.
• રાહુલ ગાંધીની સોનીપતમાં ‘રાજકારણ’ની વાવણીઃ લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિવિધ રાજ્યોના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. શનિવારે રાહુલ ગાંધી હરિયાણાના સોનીપત પહોંચ્યા હતા અને સ્થાનિક ખેડૂતો સાથે ખેતરમાં ડાંગરનું વાવેતર કર્યું હતું. રાહુલે અહીં ટ્રેક્ટર ચલાવી ખેતર પણ ખેડ્યું હતું.
• મનીષ સિસોદિયા તથા અન્યોની રૂ. 52 કરોડની સંપત્તિ જપ્તઃ દિલ્હીના દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી હેઠળ ઈડીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સંપત્તિ જપ્ત કરી. આ સાથે જ તેમની પત્ની સીમા અને અમનદીપ ધલ, રાજેશ જોશી, ગૌતમ મલ્હોત્રા સહિત કેટલાક અન્ય લોકોની લગભગ રૂ. 52.24 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
• ભાજપમાં જોડાવા ત્રણ વાર ચર્ચા થયેલીઃ શરદ પવારઃ રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવાર તેમની રાજકીય કારકિર્દીની સૌથી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમણે મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે, અગાઉ ભાજપ સરકારમાં જોડાવા માટે ત્રણ વખત ચર્ચા થયેલી, પરંતુ ભાજપની વિચારધારા જુદી હોવાથી અમે સામેલ નહોતા થયા. અજિત પવાર જ્યારે એમવીએનો સાથ છોડી શિંદે-ફડણવીસ સરકારમાં જોડાયા ત્યારે તેમણે પણ આ અંગે શરદ પવારની ઇચ્છા દર્શાવી હતી.

