દહેરાદૂનઃ ઉત્તર ભારતનાં 7 રાજ્યોમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી. આ સાત રાજ્યોમાં હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ સાત રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરની અલગ-અલગ ઘટનાઓમાં 56 લોકોનાં મોત થયાં છે. સૌથી વધારે ખરાબ હાલત હિમાચલ પ્રદેશની છે. ત્યાં કેદારનાથમાં થઈ હતી તેવી જ તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. નદીનાં પાણી સાથે કાદવ પણ બસ સ્ટેન્ડ અને બજારમાં ઘૂસ્યો હતો.
મનાલીમાં વરસાદનો 52 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હિમાચલમાં બે સ્થળે વાદળ ફાટવાના કારણે ઘણી સ્થાનિક નદીઓ અને નહેરો ખતરાના નિશાનથી ઉપર છે. પંજાબમાં સતલુજ નદીની આસપાસ આવેલાં 15થી 20 ગામને ખાલી કરાવવામાં આવ્યાં છે. તે જ સમયે લેહ-લદ્દાખમાં ભારે વરસાદને કારણે 450 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું હતું. હિમાચલમાં 46 મકાનો ધરાશાયી થયાં છે, જ્યારે કુલ્લુના કસૌલમાં 6 વાહનો પાણીમાં વહી ગયાં હતાં.
જુલાઈમાં 9 દિવસમાં ભારે વરસાદને કારણે દેશનો કુલ વરસાદ હવે સામાન્ય કરતાં વધુ છે. 9 જુલાઈ સુધી સામાન્ય વરસાદ 9.4 ઇંચ હતો. હવે આંકડો તેને વટાવીને 9.5 ઈંચ થઈ ગયો છે, જે 2% વધુ છે. દિલ્હીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં વરસાદનો 41 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. તે ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. નદીઓનાં જળસ્તર વધતાં નીચાણના વિસ્તારને એલર્ટ કરાયા હતા.
કયા રાજ્યમાં કેટલાં મોત
રાજ્ય મૃત્યુઆંક
હિમાચલ 7
ઉત્તરાખંડ 6
જમ્મુ અને કાશ્મીર 4
પંજાબ 3
યુપી 34
રાજસ્થાન 1
દિલ્હી 1
કુલ 56

