ગુજરાતમાં સ્થપાનારા વેદાંતા જૂથ સાથેના સેમિકંડક્ટર સાહસમાંથી ફોક્સકોન બહાર

Wednesday 12th July 2023 06:52 EDT
 
 

અમદાવાદઃ તાઇવાનના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર ફોક્સકોને કોમોડિટી કંપની વેદાંતા સાથેના સંયુક્ત સાહસમાંથી પોતે બહાર આવી ગયું હોવાનું જણાવ્યું છે. બંને કંપનીએ ભારતમાં સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા સંયુક્ત સાહસની રચના કરી હતી.
ફોક્સકોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપની હવે વેદાંતાની સંપૂર્ણ માલિકીની બની ગયેલી કંપનીમાંથી ફોક્સકોનને દૂર કરવા પર કામ કરી રહી છે. ફોક્સકોન અને વેદાંતાએ ગુજરાતમાં સેમિકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ્સ સ્થાપવા માટે 19.5 અબજ ડોલરના રોકાણની યોજના જાહેર કરી હતી. આ માટે તેમણે કંપની પણ બનાવી હતી. આ પ્લાન્ટ દેશમાં પ્રથમ સેમિકંડક્ટર પ્લાન્ટ બનવા હતી. જો કે પ્રોજેક્ટ ખૂબ જ ધીમી પ્રગતિ દર્શાવી રહ્યો હતો. તેઓ યુરોપિયન ચિપમેકર એસટી માઇક્રો ઇલેક્ટ્રોનિક્સને પાર્ટનર તરીકે લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ઉપરાંત વેદાંતા તરફથી ગયા વર્ષે ડિસ્ક્લોઝર્સે પણ કેટલીક ગૂંચવણ ઊભી કરી હતી. જો કે પાછળથી તેણે સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે સેમિકંડક્ટર્સની ઉત્પાદક વેદાંતા નહીં, પરંતુ વોલ્કેન ઇન્વેસ્ટમેન્ટ્સ રહેશે. દરમિયાનમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે, ફોક્સકોન હટી જવાથી દેશના સેમિકંડક્ટર ફેબ્રિકેશન ધ્યેયને હાંસલ કરવામાં કોઈ અસર નહીં પડે. વેદાંતાએ કહ્યું છે કે, તે સેમિકંડક્ટર પ્રોજેક્ટ સ્થાપવા કૃતનિશ્ચયી છે. બીજા ભાગીદારો શોધાશે.

ફોક્સકોનના આંચકાથી નુકસાનની સંભાવના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગના નવા યુગના નિર્માણ માટે ચિપ મેન્યુફેકચરિંગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. ફોક્સકોને આપેલા આંચકાથી વિદેશી રોકાણકારોને ભારતમાં ચિપ નિર્માણ માટે આકર્ષવાની મહત્ત્વકાંક્ષા પર ફટકો પડી શકે છે. જો કે ફોક્સકોને કહ્યું છે કે, કંપની ભારતમાં સેમિકંડક્ટરના ક્ષેત્રે વિકાસની શક્યતા અંગે આશ્વસ્ત છે. ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનનું સમર્થન કરે છે અને નવા ભાગીદાર સાથે આ ક્ષેત્રે પ્રવેશશે, વેદાંતાએ કહ્યું છે કે, કંપની આ પ્રોજેક્ટ અંગે ગંભીર છે અને નવા ભાગીદાર સાથે તેમાં આગળ વધશે, ફોક્સકોન સાથેના જોઇન્ટ વેન્ચરને તે ટેકઓવર કરશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વેદાંતા, ફોક્સકોન અને ગુજરાત સરકાર વચ્ચે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં આ અંગે સમજૂતી થઈ હતી.


comments powered by Disqus