ચંદ્રયાન-3 માટે મહત્ત્વનું ‘સ્કિવબ્સ’ કમ્પોનન્ટ સુરતની કંપનીએ તૈયાર કર્યું

Wednesday 12th July 2023 06:07 EDT
 
 

સુરતઃ ઇસરોના ચંદ્રયાન-3 પર વિશ્વભરની નજર છે, ત્યારે ગુજરાત અને ખાસ કરીને સુરત માટે ગૌરવની વાત છે કે દેશભરના લોકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચંદ્રયાન-3 માટે સિરામિક પાર્ટ ‘સ્કિવબ્સ’ સુરતની કંપનીએ બનાવ્યો છે. સુરતની કંપની 30 વર્ષથી ઇસરો માટે ‘સ્કિવબ્સ' તૈયાર કરે છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો દ્વારા તૈયાર થયેલા ચંદ્રયાન-3માં સ્કિવબ્સ નામનો પાર્ટ સુરતની હિમસન સિરામિક કંપનીએ બનાવ્યો છે. ચંદ્રયાન-2માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો. સ્કિવબ્સ ખાસ ટેક્નોલોજીના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે કોઈ રોકેટ ટેક્નોલોજીથી કોઈપણ યાનને લોન્ચ કરવામાં આવે છે, ત્યારે તેની નીચેનો ભાગ 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ ગરમ હોય છે. આ ગરમી વાયરિંગને નુકસાન ન કરે આ માટે ખાસ સ્ક્વિબ્સ ઇગ્નિશનનું આવરણ તેના પર ચડાવવામાં આવે છે, જેનાથી આ બ્લાસ્ટ એની જ્વાળાઓની અસર યાન પર થતી નથી. હિમસનના ડિરેક્ટર નિમેષ બચકાનીવાલાએ કહ્યું કે, સ્કિવબ્સ કમ્પોનન્ટ યાનના નીચેના ભાગમાં લગાવવામાં આવતું હોય છે, જેનો ઉપયોગ ઇન્સ્યુલેશન તેમજ ઇગ્નિશનમાં થાય છે. આ ખાસ પાર્ટ્સના કારણે વાયરિંગ સુરક્ષિત રહે છે. ચંદ્રયાન-2માં લેન્ડિંગ વખતે સમસ્યા સર્જાઈ હતી પણ ચંદ્રયાન-3 સફળ રહેશે તે પૂર્ણ વિશ્વાસ છે. સને 1994થી સેટેલાઇટ અને સ્પેસયાત્રા માટે જરૂરી સ્પેરપાર્ટ બનાવી ઇસરોને સપ્લાય કરીએ છીએ. ચંદ્રયાન-3માં પણ અમારા સ્કિવબ્સ કમ્પોનન્ટ્સ લાગ્યા છે તે ગર્વની વાત છે.


comments powered by Disqus