ડીસામાં પાંચ સંતાન બાદ દાદી-પિતાએ પણ ઝેર પીધું

Wednesday 12th July 2023 06:07 EDT
 
 

ડીસાઃ માલગઢ ગામે એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે તમામ અસરગ્રસ્ત લોકોને ડીસા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પિતા અને તેમનો એક પુત્ર ગંભીર હોવાથી સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે સગા પિતાએ તેમનાં જ સંતાનોને કયાં કારણોસર દવા પીવડાવી એ કારણ હજી જાણવા મળ્યું નથી.
ડીસા તાલુકાના માલગઢ ગામે એક જ વાલ્મીકિ પરિવારના સાત લોકોએ સામૂહિક આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. માલગઢ ગામે રહેતા નગુભાઈ માલાભાઈ વાલ્મીકિ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં જ તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ નગુભાઈ વાલ્મીકિ તેમની માતા, બે દીકરી અને ત્રણ દીકરા સહિત સાત લોકોએ જંતુનાશક દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઈ છે.


comments powered by Disqus