દ્વારકાઃ બિપરજોય વાવાઝોડા સમયે ભારે પવન સાથે વરસાદ સમયે જગતમંદિરમાં એકસાથે બે ધ્વજાનું આરોહણ કરાયું હતું. જે બાદ શનિવારે સવારે ફરી ભારે પવન સાથે વરસાદ પડતાં જગતમંદિરના શિખર પર એક ધ્વજાને ઉતાર્યા વગર ધ્વજદંડની નીચેના ભાગમાં બીજી ધ્વજાજીનું આરોહણ કરાતાં એક જ માસની અંદર બીજી વખત એક સાથે બે ધ્વજાજીનું આરોહણ કરવાનો જવલ્લે બનતો સંયોગ જોવા મળ્યો હતો. બિપરજોય દરમિયાન સર્જાયેલા સંયોગ વખતે સ્થાનિકોએ ભગવાનનો શુભ સંકેત ગણાવી બિપરજોય વિપદામાંથી દ્વારકા હેમખેમ બચી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જે સાચો ઠર્યો હતો. અષાઢ માસના વરસાદી માહોલમાં ફરી એકવખત આવો સંયોગ થતાં ધરતીપુત્રો માટે ચોમાસું સારું હોવાનો શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.

