પ. બંગાળ પંચાયતની લોહિયાળ ચૂંટણીમાં ટીએમસીનો વિજય

Wednesday 12th July 2023 06:53 EDT
 
 

કોલકાતાઃ રક્તરંજિત બનેલી પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં ટીએમસીએ ભાજપ સહિત તમામ પક્ષોને ઘણા પાછળ છોડીને જીત મેળવી લીધી છે. ગ્રામપંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદ ત્રણેયમાં ટીએમસીનો જાદુ ચાલ્યો હતો અને પ્રતિસ્પર્ધી પાર્ટીઓને પાછળ છોડી દીધી છે. 8 જુલાઈએ શનિવારે પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણીમાં પ. બંગાળના 6 જિલ્લામાં કુલ 22 લોકોની હત્યા થઈ ગઈ, જેની સાથે એક મહિનામાં પંચાયતની ચૂંટણીના કારણે થયેલી હત્યાનો આંકડો 41 થઈ ચૂક્યો છે. 8 જૂને ચૂંટણીનું એલાન થયા બાદ 7 જુલાઈ સુધી કુલ 19 લોકોની હત્યા થઈ હતી, જેમાં ચૂંટણી પરિણામ સુધી 22 વ્યક્તિએ જીવ ખોયો છે. આ લોહિયાળ અને બૂથ કેપ્ચરિંગ સાથેની ચૂંટણી પ્રક્રિયા જોતાં ચૂંટણી પંચ દ્વારા આ તમામ 6 જિલ્લામાં ફરીથી ચૂંટણી કરાવવાનું એલાન કરવામાં આવ્યું છે.
લોહિયાળ ચૂંટણી થઈ તેમાં પશ્ચિમ બંગાળના માલદા, મુર્શીદાબાદ, પુરુલિયા, બીરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ 24 પરગણા જિલ્લાનો સમાવેશ થાય છે, જ્યાં ચૂંટણી ફરીથી યોજવામાં આવશે. અહીં ભડકેલી હિંસામાં 200થી વધારે લોકો ઘાયલ પણ થયા હતા. આ 35 લોકોની હત્યામાં સૌથી વધારે ટીએમસીના 9 અને સીપીઆઇ-એમના 3 કાર્યકરનો સમાવેશ થાય છે. જલપાઈગુડીમાં થયેલી હિંસામાં 8 પત્રકારો પણ ઘાયલ થયા છે.
22 જિલ્લાની 73,887 ગ્રામ પંચાયત બેઠકમાંથી 64,874 પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન થયું હતું. સેન્ટ્રલ ફોર્સની તહેનાતી બાદ પણ અલગ-અલગ વિસ્તારોમાંથી આગચંપી-હિંસા અને બેલેટ પેપર સળગાવવાના અહેવાલો મળ્યા હતા. 6 જિલ્લાના અનેક બૂથમાં લૂંટફાટ, બેલેટ પેપર ફાડવા, બેલેટ પેપર સળગાવવાની ઘટનાઓ અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. કૂચબિહારના માથભંગા-1 બ્લોકના હઝરાહાટ ગામમાં એક યુવક મતપેટી લઈને ભાગી ગયો હતો.
સાઉથ 24 પરગણાના ભાંગડ બ્લોકના જમીરગાછીમાં ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ અને ટીએમસી કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ગ્રામજનોએ કહ્યું કે, ટીએમસીના લોકો કોથળામાં બોમ્બ ભરીને લાવ્યા હતા અને કાર્યકરો ગામના લોકોને ડરાવીને મતદાન કરાવ્યું હતું. તેમણે એટલા બોમ્બ ફેંક્યા કે બે કલાક સુધી મતદાન અટકાવાયું હતું. મીડિયાકર્મીઓ તરફ પણ કેટલાક બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.


comments powered by Disqus