વડોદરાઃ અમરનાથ યાત્રાએ ગયેલા મુસાફરો ખરાબ હવામાનના કારણે ત્યાં જ ફસાઈ ગયા હતા, જેને તંત્રની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. ખરાબ હવામાનથી પંચતરણીમાં અટવાયેલા વડોદરા સહિતના યાત્રાળુને બાલતાલના રસ્તે નીચે લવાયા હતા. વડોદરાના ટૂર ઓપરેટર સાથેના ભક્તો, વાઘોડિયા રોડના ભક્તો અને હરણી રોડના ચીમનભાઈની બસ સાથે ગયેલા 40 ભક્તો સહિત તમામ પહેલગામ સોનમર્ગ જેવાં સુરક્ષિત સ્થળે આવી ગયા હતા. 3 દિવસથી પંચતરણીમાં અટવાયેલા લોકો ભીના કપડે રહેલા યાત્રાળુઓની તબિયત સુધારા પર હોવાથી ટૂર ઓપરેટરે રાહતનો શ્વાસ લીધો છે. આગાહી મુજબ વાદળ ન ફાટતાં પ્રશાસને પણ રાહત અનુભવી હતી.
ટ્રાવેલર્સ ચિરાગ પટેલના પુત્ર સાથે ગયેલા 17, હરણીના ચીમન રાજપૂત સાથેના 40 અને વાઘોડિયા રોડના 20 મુસાફરો મળી 77 યાત્રાળુ સલામત હોવાનું જાણવા મળ્યું હતું. જો કે રાજેન્દ્રભાઈ નામના યાત્રીનું નિધન થતાં મૃતદેહને વડોદરા લવાયો હતો. રાજેન્દ્ર ભાટિયા 40 યાત્રાળુ સાથે સાતમી વખત અમરનાથ ગયા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું.

