ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો કચ્છી યુવાન ઝડપાયો

Wednesday 12th July 2023 06:06 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે બીએસએફના પ્યૂન નીલેશ બળિયાની ધરપકડ કરી છે, જે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. પાકિસ્તાની યુવતી દ્વારા હનીટ્રેપમાં ફસાયેલા નિલેશ બળિયાએ 6 મહિના સુધી ભારતની ગુપ્ત માહિતી અને ફોટોગ્રાફ્સ આપવાના બદલામાં રૂ. 28 હજાર જેટલી રકમ લીધી હોવાનું પણ જણાયું છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં તેના પાકિસ્તાનનાં વધુ કનેક્શન પણ સામે આવે તેવી શક્યતા છે.
પાક. યુવતીએ ખોટી ઓળખ આપી
બીએસએફમાં કોન્ટ્રાક્ટ પર પ્યૂન તરીકે કામ કરતો નિલેશ બળિયા ભારતની મહત્ત્વની માહિતી અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં આઇએસઆઇ સુધી પહોંચાડતો હતો. તેણે મોકલેલી માહિતીના બદલામાં પાકિસ્તાન દ્વારા થયેલા સાત ટ્રાન્ઝેક્શનમાં યુવકને રૂ. 28 હજાર મળ્યાં હોવાનો પણ ઘટસ્ફોટ થઈ ચૂક્યો છે. જો કે આ માત્ર પૈસાનો જ ખેલ નહોતો, નિલેશ બળિયાને ફસાવવા માટે પાકિસ્તાનમાં બેઠેલી યુવતીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે પોતાની ઓળખ અદિતિ તરીકે આપી આ યુવકને હનીટ્રેપમાં પણ ફસાવ્યો હતો અને બીએસએફની વાતો અને માહિતી મેળવી હતી.
સંખ્યાબંધ ફોન કરતી હતી યુવતી
બીએસએફ ઓફિસમાં પ્યૂન તરીકે કામ કરતો નિલેશ બળિયા પરિણીત છે. પાકિસ્તાનમાં બેઠેલી યુવતી નિલેશને દિવસમાં સંખ્યાબંધ ફોન કરતી હતી, જેથી તે પત્નીથી છુપાઈને વાત કરતો હતો. આ સમગ્ર મામલો હાલ રાષ્ટ્રીય સુરક્ષા સુધીનો બની ગયો છે. એટીએસ દ્વારા નિલેશની ધરપકડ કરી અમદાવાદમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.


comments powered by Disqus