અમદાવાદઃ અભ્યાસ માટે અમેરિકાના વિઝા મેળવવા ગયેલી ભાવનગરની વિદ્યાર્થિનીને ઇમિગ્રેશન અધિકારીએ બિનજરૂરી અને તર્કહીન સવાલો કરી કનડગત કરી હોવાની ફરિયાદ કરી છે.
અમેરિકામાં જતા વિદેશી નાગરિકને ઇમિગ્રેશનમાં વિવિધ પ્રકારના સવાલનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ અભ્યાસ માટે અમેરિકા જઈ રહેલી ભાવનગરની યુવતીની અમદાવાદમાં ઇમિગ્રેશન ઓફિસર દ્વારા તર્કહીન સવાલો દ્વારા કનડગત કરી હોવાનો ખુલાસો થયો છે. જે અંગે વિદ્યાર્થિનીના પિતા વિપુલ શાહે પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કરી ટ્વીટ દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો.
વિદ્યાર્થિનીના પિતાએ આ અંગે કહ્યું કે, ‘મારી પુત્રી પાસે આઇ-20 અને વિઝા હતા, છતાં ઈમિગ્રેશન ઓફિસરે મારી દીકરી પાસે ડિગ્રી સર્ટિફિકેટ માગ્યાં હતાં અને તેઓ ક્યાં ભણ્યાં છે તે અંગેના સવાલો કર્યા હતા. મારી દીકરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું મુંબઈમાં નરસી મોનજી ખાતે ભણી છું અને મારા સર્ટિફિકેટના આધારે જ મને અમેરિકાની યુનિવર્સિટીએ એડમિશન પણ આપ્યું છે.
મારી દીકરીની વાત સાંભળીને ઇમિગ્રેશન અધિકારીએ તર્કહીન દલીલ કરતાં ધમકી આપી હતી કે, તમે કબૂલ કરો કે તમારાં સર્ટિફિકેટ ફેક છે, નહીં તો હું મારા ઉચ્ચ અધિકારીને આ અંગે જાણ કરીશ અને તમે અમેરિકા નહીં જઈ શકો. તમે મુંબઈમાં ભણ્યાં પણ ગુજરાતમાં કેમ નહીં? તમે તો ભાવનગરનાં છો તો અમેરિકા કેવી રીતે ભણવા જઈ શકો? તમારા ગામમાંથી કોઈ અમેરિકા ભણવા ગયું છે? આ પ્રકારે તર્કહીન સવાલો કર્યા બાદ અધિકારીઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેની મજાક ઉડાવવામાં આવી હતી.

