મુન્દ્રામાં ‘સોપારીકાંડ’ઃ ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

Wednesday 12th July 2023 06:06 EDT
 
 

અમદાવાદઃ પશ્ચિમ કચ્છ સાઇબર પોલીસ સ્ટેશનના ત્રણ અને અંજારના એક પોલીસ કર્મચારીએ આયાતી સોપારીના મુદ્દે મુન્દ્રામાં સોપારીના એક ગોડાઉન પર દરોડો પાડીને રૂ. 3.75 કરોડનો તોડ કર્યો હતો. અઢી મહિના જૂના આ કિસ્સામાં વેપારીની રજૂઆત બાદ રેન્જ આઇજીપી જે.આર. મોથલિયાએ તપાસ કરાવતાં વાતમાં તથ્ય જણાતાં ચાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.
મૂળ મુંબઈના અને ગાંધીધામમાં રહેતા અનિલ તરુણ પંડિત ભાગીદારીથી લોજિસ્ટિક્સ કંપની ચલાવે છે. કસ્ટમ્સ ક્લિયરન્સનું કામ કરતા અનિલ પંડિતે 27 જૂને પોતાનો રૂ. 3.75 કરોડનો તોડ થયાની અરજી રેન્જ આઇજીપીને આપી હતી. તા. 13 એપ્રિલે મુંબઈ હતા ત્યારે અનિલ પંડિતને તેના જાણીતા પંકિલ સુનિલભાઈ મોહતાએ ફોન કરીને કહ્યું હતું કે, તમારી સોપારી ભરેલી ગાડી ક્રાઇમબ્રાન્ચે પકડી છે અને ગોડાઉનને સીલ મારી રહ્યા છે. પોલીસ કાર્યવાહી અને તપાસથી બચવા માટે રૂ. 5 કરોડ માગવામાં આવી રહ્યા છે. માતાની બીમારીના કારણે મુંબઈમાં વ્યસ્ત એવા અનિલભાઈએ પોલીસ કાર્યવાહીથી બચવા પૈસા ચૂકવવા તૈયારી બતાવી હતી. ચર્ચાના અંતે રૂ. 3.75 કરોડમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. અનિલભાઈએ રૂ. 2.32 કરોડ ટુકડે ટુકડે પંકિલ મોહતાને પહોંચતા કર્યા હતા. બાકીના રૂ. 1.43 કરોડ પંકિલ સાથેના હિસાબ અને લેવડદેવડમાં વળાવ્યા હતા.
પૈસા ચૂકવી દીધા બાદ પણ સતત શંકા અનુભવતા અનિલ પંડિતે તપાસ કરી તો કથિત દરોડો પડાયો ત્યારે ચાર પોલીસ કર્મચારી ખાખી વર્દીમાં નહીં પણ સિવિલ ડ્રેસમાં હતા. પોલીસના નામે ખેલ પડી ગયો હોવાની શંકાથી અનિલભાઈએ મિત્રોને વાત કરી હતી. મિત્રોના કહેવાથી અનિલભાઈ કચ્છ રેન્જ આઇજીપી મોથલિયાને મળ્યા હતા અને કેસ દાખલ કર્યો હતો.


comments powered by Disqus