મોટાં શહેરો માટે પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ મહત્ત્વના મુદ્દાઃ લંડનના ડેપ્યુટી મેયર

Wednesday 12th July 2023 06:53 EDT
 
 

લંડનઃ બ્રિટનના લંડન શહેરના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલે ગુરુવારે યુ-20 મેયર સમિટને સંબોધન કરતાં કહ્યું હતું કે, વિશ્વભરનાં શહેરો આજે પરિવર્તનનું કેન્દ્ર બની ગયાં છે, કારણ કે વિશ્વની 50 ટકા વસતી આ શહેરોમાં વસી રહી છે. સસ્ટેનેબિલિટી, પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ એ આ શહેરો માટે મોટી સમસ્યા બની ગયાં છે અને સરકારોએ આ મુદ્દા પર ધ્યાન આપવું જરૂરી બની ગયું છે.
ગાંધીનગર ખાતે યુ-20 મેયર સમિટનું ગુરુવારે આયોજન કરાયું હતું. આ સમિટને સંબોધન કરતાં રાજેશ અગ્રવાલે કહ્યું હતું કે, શહેરોમાં જાહેર પરિવહનની વ્યવસ્થામાં સુધારો કરવા પર ફોકસ કરવાની જરૂર છે. લંડનમાં શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે - જ્યાં ટ્યૂબ્સ છે, ટ્રેન છે અને ટ્રામ છે. રોડ પહોળા કરવાથી સમસ્યા નહીં ઉકેલાય. લોકોમાં પણ જાહેર શિસ્ત અને સમજણ કેળવવી જરૂરી છે.
તેમણે કહ્યું કે, યુકેમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને આ મલ્ટિ કલ્ચર અને ઇમિગ્રેશનને કારણે યુકેના અર્થતંત્રને પણ ફાયદો થયો છે. યુકેમાં 40 ટકા વર્કફોર્સ એવું છે, જેનો યુકેમાં જન્મ નથી થયો. તેમણે કહ્યું કે ભારત અને યુકે વચ્ચે સારા સંબંધ છે અને ભારત યુકેમાં ટોચનું રોકાણકાર છે. ગ્લોબલ ફિનટેક કંપનીઓ, હેલ્થટેક, લાઇફ સાયન્સીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓએ યુકેમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે. યુકેની ફિનટેક કંપનીઓ ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા અંગે પણ વિચારી રહી છે.


comments powered by Disqus