નવી દિલ્હીઃ યુનિફોર્મ સિવિલ કોડ - (સમાન નાગરિક સંહિતા) અંગે ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે દેશનાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18થી 65 વર્ષની 8 હજારથી વધુ મુસ્લિમ મહિલાઓને સમાવતો એક સરવે કરાયો હતો. તેમાં 67 ટકાથી વધુ મુસ્લિમ મહિલાઓએ લગ્ન, તલાક જેવી પ્રક્રિયાઓ માટે દેશમાં એકસમાન કાયદો હોવાને સમર્થન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, યુનિફોર્મ સિવિલ કોડ અમલી બનતાં તે વર્તમાન મુસ્લિમ પર્સનલ લોનું સ્થાન લઈ લેશે. જો કે આ કાયદો ક્યારથી લાગુ પડશે તે વિષે કોઈ સ્પષ્ટતા નથી. આ સરવેમાં તદ્દન નિરક્ષર મહિલાઓથી શરૂ કરી પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી મહિલાઓને સમાવવામાં આવી હતી. તેઓને લગ્ન, તલાક, દત્તક લેવા અંગે અને વારસાઈ અધિકાર અંગે સમાન કાનૂન હોવો જોઈએ કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું.
ત્યારે 5403 મહિલાઓ - એટલે કે 67.2 ટકા મહિલાઓએ તેને સમર્થન આપ્યું હતું. 2039 મહિલાઓએ 25.4 ટકા મહિલાઓએ તે અસ્વીકાર્ય ગણ્યો હતો, જ્યારે 593 મહિલાઓએ (7.4 ટકા) તે વિષે પોતાનો કોઈ મત દર્શાવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતાં મુસ્લિમ સમુદાયમાં બહુપત્નીત્વ, તલાક, વારસાઈ સહિતના મુસ્લિમ લો મુજબના અનેક કાયદામાં મોટું પરિવર્તન આવી શકે છે.

