રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત્ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. દક્ષિણ ગુજરાતના દાદરા નગર હવેલી ખાતે સિઝનનો સૌથી વધુ 928 મિ.મી. વરસાદ નોંધાયો છે. તો બીજા ક્રમે દમણમાં 773 મિ.મી. વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં 823 મિ.મી. નોંધાયો છે, જે રાજ્યમાં ત્રીજા ક્રમે આવે છે. આમ રાજ્યભરમાં 419.8 મિ.મી. વરસાદ વરસી ચૂક્યો છે, જે હાલના સમયગાળા સુધી પડતા 196 મિ.મી વરસાદ કરતાં 114 ટકા વધારે છે. ઉપરવાસથી પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની સપાટી 123.40 મીટરને વટાવી ગઈ હતી. વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી.
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં 823 મિ.મી. નોંધાયો છે, જે રાજ્યમાં ત્રીજા ક્રમે આવે છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને જોડતો ઘેડ પંથકમાં ઉપરવાસથી પાણીની આવક અને જિલ્લામાં પડેલા વરસાદના કારણે સમુદ્રમાં ફેરવાઈ ગયો હતો. ભૌગોલિક દૃષ્ટિએ આ વિસ્તાર રકાબી જેવો હોવાથી ઉપરવાસના વરસાદનું પાણી આ વિસ્તારમાં ફેલાઈ ગયું હતું અને અનેક ગામો દિવસો સુધી સંપર્કવિહીન બની ગયાં હતાં. અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે સામાન્ય દિવસોમાં સૂકી રહેતી ગાગડિયા સહિતની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યાં હતાં. ગાગડિયા નદીમાં ભારે પૂર આવતાં બેઠા કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થયો, જેથી વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો. સારા વરસાદના પગલે રાજકોટના ન્યારી-2 ડેમમાં પણ નવાં નીરની આવક થઈ છે. સાર્વત્રિક વરસાદથી જામનગર શહેરના ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, તીનબત્તી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયું હતું. તો ભાવનગરમાં આવેલા 156 વર્ષ જૂના જશોનાથ મહાદેવના મંદિરનો ભાગ વરસાદના કારણે ધરાશાયી થયો છે. ધોરાજીના ભૂખી નજીકના ભાદર-2 ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલતા પોરબંદર જિલ્લાનાં કુતિયાણા સહિતનાં 15 ગામને એલર્ટ કરાયાં હતાં. પાણીની ભારે આવકથી રાજુલાનો ધાતરવડી-2 ડેમ ફરી ઓવરફ્લો થયો હતો.
કચ્છ
8 જુલાઈએ ભારે વરસાદ પડતાં કચ્છના અબડાસાની ખારી નદી બેકાંઠે વહી હતી. કચ્છના ભુજ અને નખત્રાણામાં વહેલી સવારથી જ વરસાદ ખાબકતાં માર્ગો પર વરસાદી પાણી ભરાયાં હતાં, તેમાં પણ નખત્રાણા હિલ સ્ટેશન બન્યું હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. શનિવારે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે સવારથી જ અનેક પંથકમાં વરસાદ વરસ્યો હતો. 8 જુલાઈએ ભુજમાં ભારે વરસાદની વચ્ચે રાજાશાહી સમયની ગઢની દીવાલ ધરાશાયી થઈ હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તો ભારે વરસાદના પગલે નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ થયો હતો, તેમજ ગુહર પાપડી નદી બેકાંઠે થતાં સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતાં ભુજના મોટાબંધમાં પાણીની આવક થઈ હતી, જેને નિહાળવા ભુજવાસીઓ ઊમટ્યા હતા. અબડાસા પાસેની ખારી નદી બેકાંઠે વહેતી થઈ હતી.
ઉત્તર ગુજરાત
મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે ગઢા ગામમાં વીજળી પડતાં એકનું મોત થયું હતું. બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ તરફ ભારે વરસાદને કારણે પાલનપુર-આબુ હાઇવે પર પાણી ભરાઈ ગયાં હતાં. આ સાથે ગઠામણ પાટિયા, વીરપુર પાટિયા રોડ પર પાણી ભરાયાં હતાં. ઉત્તર ગુજરાતના જિલ્લાઓને જોડતા હાઇવે અને આસપાસનાં ખેતરો પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યાં હતાં. સાબરકાંઠા જિલ્લાના ઇડર ગઢના ડુંગરાઓમાં નયનરમ્ય દૃશ્યો સર્જાયાં હતાં. ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા પાસે આવેલો વાત્રક નદી પરનો ઝાંઝરી ધોધ સિઝનમાં પ્રથમ વખત જીવંત થયો હતો. અરવલ્લીની ગિરિમાળાઓમાં હિલ સ્ટેશન જેવો નજારો સર્જાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠાના બે ડેમ ઓવરફ્લો થયા છે. અમીરગઢના જાસોર ખાતે આવેલો કેદારનાથ ડેમ તેમજ દાંતીવાડામાં આવેલો હડમતિયા ચેકડેમ ઓવરફ્લો થયો છે. પહાડી વિસ્તારમાં પડેલા વરસાદના પગલે પાણીનાં ઝરણાં વહેતાં થયાં હતાં, તેમજ સીપુ ડેમ આધારિત હડમતિયા ચેકડેમ ઓવરફ્લો થયો છે. બનાસકાંઠામાં નદી-નાળાં છલકાતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાત
સુરત શહેરમાં ભારે વરસાદના પગલે વરાછા, કતારગામ, પાલ, રાંદેર સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયું હતું. તો ગુજરાતના દક્ષિણ છેડે આવેલો ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે સૌંદર્ય સોળેકલાએ ખીલી ઊઠ્યું હતું. ડાંગમાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણ આલ્હાદક બન્યું છે, સાથેસાથે નદી, ઝરણાં જીવંત થઈ ઊઠ્યાં છે. રાજ્યના ચેરાપુંજી તરીકે ઓળખાતા વનાચ્છાદિત ડાંગમાં નદીઓ બેકાંઠે વહી રહી છે, ત્યારે વઘઈ ખાતે આવેલા ગિરા ધોધમાં પુષ્કળ પાણીની આવક થતાં સુંદર નજારો સર્જાયો છે. સતત વરસાદના કારણે ડાંગના ખેડૂતો પણ ખેતીમાં જોતરાયા હતા. સારા વરસાદના પગલે વલસાડમાં સાર્વત્રિક લીલોતરી ફેલાઈ ચૂકી છે. વલસાડના વિલ્સન હિલ ખાતે ડુંગરાઓ પર લીલોતરી છવાઈ ચૂકી છે, ત્યારે સ્થાનિક ઝરણાં અને ધોધ પણ જીવંત થઈ ચૂક્યા છે. વિલ્સન હિલ ખાતે આ કુદરતી સૌંદર્ય માણવા માટે પ્રવાસીઓનો ધસારો થઈ રહ્યો છે.
મધ્ય ગુજરાત
મધ્ય ગુજરાતમાં આવેલા અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહિસાગર અને પંચમહાલ પણ વરસાદમાં તરબોળ થઈ ચૂક્યા છે. આણંદ શહેરના વિદ્યાનગર રોડ, ગામડીવડ, નવા બસ સ્ટેશન, ઇસ્માઇલનગર વિસ્તારમાં દોઢ ફૂટ વરસાદી પાણી વહેંતા જોવા મળ્યાં હતાં. આ સિવાયના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ અને કોલેજો રોડ પર આવેલી સોસાયટીમાં પાણી ભરાતાં સ્થાનિકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. એક સપ્તાહ સતત વરસેલા વરસાદને પગલે ગામેગામ ડાંગર સહિત ચોમાસુ પાકની રોપણીનું કામ પૂરજોશમાં કરાયું હતું.
વડોદરા જેમાંરાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, માંજલપુરમાં વરસાદ પડ્યો હતો. નવાપુરા અને પ્રતાપનગર રોડ પર પણ પાણી ભરાતાં અલકાપુરીથી સ્ટેશન જવા માટે રસ્તો બંધ થયો હતો. છોટાઉદેપુરના બોડેલી અને પાવીજેતપુરમાં પણ વરસાદ પડ્યો હતો. બોડેલીના દીવાન ફળિયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયા હતા. જો કે બોડેલી અને પાવી જેતપુર વિસ્તારના ખેડૂતોએ વરસાદને આવકાર્યો હતો. દાહોદના ગરબાડામાં વડવા ખજૂરિયાને જોડતા રસ્તાનું કાતરિયા કોતરનું નાળું બીજી વાર ધોવાતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.
1 જૂનથી 11 જુલાઈ દરમિયાન
ક્યાં કેટલો વરસાદ
અમદાવાદઃ 278 મિ.મી.
આણંદઃ 352 મિ.મી.
અરવલ્લીઃ 378 મિ.મી.
બનાસકાંઠાઃ 399 મિ.મી.
ભરૂચઃ 228 મિ.મી.
છોટાઉદેપુરઃ 230 મિ.મી.
દાહોદઃ 165 મિ.મી.
ડાંગઃ 656 મિ.મી.
ગાંધીનગરઃ 226 મિ.મી.
ખેડાઃ 340 મિ.મી.
મહેસાણાઃ 349 મિ.મી.
મહિસાગરઃ 307 મિ.મી.
નર્મદાઃ 265 મિ.મી.
નવસારીઃ 783 મિ.મી.
પંચમહાલઃ 260 મિ.મી.
પાટણઃ 326 મિ.મી.
સાબરકાંઠાઃ 435 મિ.મી.
સુરતઃ 469 મિ.મી.
તાપીઃ 483 મિ.મી.
વડોદરાઃ 241 મિ.મી.
દા.નગરહવેલી 928 મિ.મી.
દમણઃ 773 મિ.મી.
અમરેલીઃ 379 મિ.મી.
ભાવનગરઃ 269 મિ.મી.
બોટાદઃ 405 મિ.મી.
દ્વારકાઃ 462 મિ.મી.
દીવઃ 672 મિ.મી.
ગીરસોમનાથઃ 657 મિ.મી.
જામનગરઃ 521 મિ.મી.
જૂનાગઢઃ 823 મિ.મી.
કચ્છઃ 504.9 મિ.મી.
મોરબીઃ 292 મિ.મી.
પોરબંદરઃ 477 મિ.મી.
રાજકોટઃ 497 મિ.મી.
સુરેન્દ્રનગરઃ 273 મિ.મી.

