અમદાવાદઃ મોદી સરનેમના નિવેદન પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને હાઇકોર્ટ તરફથી આંચકો મળ્યો છે. કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો. રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માગણી કરતી અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચ સવારે 11:00 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. રાહુલની અરજી પર જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચે મે મહિનામાં સુનાવણી દરમિયાન વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, તેઓ આ મામલે સીધો અંતિમ આદેશ જારી કરશે. આ નિર્ણય બાદ રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સિવાય આ કેસમાં દેશમાં અન્ય બે કેસ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થયા છે, જેની સુનાવણી હાલમાં ચાલી રહી છે.

