સુરતઃ શાકભાજીના ભાવ વધતાની સાથે જ હવે તેની ચોરી પણ થવા લાગી છે. ટામેટાંના ભાવ અકલ્પનીય રીતે વધતાં ચોરો હવે શાકભાજી પણ ચોરી કરવા લાગ્યા છે. ઉત્રાણમાં 17 હજારની કિંમતના બટેટાંની ચોરીની ઘટનાની ચર્ચા શાંત પડી નથી, ત્યાં હવે કાપોદ્રામાં ત્રણ બોરીમાં ભરેલાં અંદાજિત દોઢસો કિલો ટામેટાંની ચોરી થઈ હોવાની ઘટના બની છે. જો કે આ બાબતે વેપારીએ ફરિયાદ આપવાની ના પાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રામાં અક્ષર ડાયમંડ નજીક આવેલી શાકભાજી માર્કેટમાં સવારના સમયે ટામેટાંની ચોરી થઈ હતી. ટામેટાંનો વેપારી રાત્રીના સમયે સામાન બાંધીને ઘરે ગયો હતો. વહેલી સવારે શાકભાજી વેચવા માટે તે આવ્યો ત્યારે ટામેટાંની ત્રણ બોરીની ચોરી થઈ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. તપાસ કરતાં સીસીટીવીમાં એક અજાણ્યો યુવક ટામેટાં લઈ જતો નજરે પડ્યો હતો.

