આશ્રમ લેમ્બેથ એશિયન એલ્ડરલી ડે સેન્ટર દ્વારા દિવાળીની ઉજવણી

Wednesday 13th December 2023 10:06 EST
 
 

લંડનઃ આશ્રમ લેમ્બેથ એશિયન એલ્ડરલી ડે સેન્ટર દ્વારા બુધવાર 22 નવેમ્બર 2023ના રોજ ઈમાન્યુએલ ચર્ચ હોલ SW16 3PY ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. સભ્યોએ હોલ અને સ્ટેજની સજાવટ કરી હતી. વયોવૃદ્ધ સભ્યોમાં લોકપ્રિય ગીતો, લોકનૃત્ય અને મહાનુભાવો દ્વારા સંબોધનો બાબતે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો. લંડનના લેમ્બેથ બરોના મેયર કાઉન્સિલર સર્વવ્યાપી સરબાઝ બર્ઝનજી મુખ્ય મહેમાનપદે હતા.
નીલમ પટેલ દ્વારા બે રાષ્ટ્રગીતો રજૂ કરાયા પછી મેયર અને આશ્રમ ડે કેરના પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ અમીન, એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો પ્રવિણભાઈ જી. પટેલ અને અશ્વિનભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ અમીન બધાને દિવાળીની શુભેચ્છા પાઠવવા સાથે માહિતી આપી હતી કે 1985માં 500થી વધુ સભ્યો સાથે રજિસ્ટર્ડ ચેરિટી આશ્રમની સ્થાપના થઈ હતી. તેમણે કહ્યું હતું કે સંસ્થા દ્વારા સામાજિક મેળાવડા, લંચ ક્લબ, યોગ સેશન્સ, એડવાઈસ-સલાહ સેશન્સ, કોચ પ્રવાસ અને કેરેવાન પાર્ક્સ પર સાપ્તાહિક હોલીડેઝ સહિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
મેયરે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવા બદલ સભ્યોને અભિનંદન પાઠવવા સાથે જણાવ્યું હતું કે ‘એશિયન કોમ્યુનિટી બ્રિટનમાં સારી રીતે ભળી ગઈ છે. તમે તો કોમ્યુનિટીના આધારસ્તંભ છો, તમે બાળકોનો સારા નાગરિક તરીકે ઉછેર કર્યો છે. તમારી દિવાળી ઉજવણીમાં સામેલ થવાનું ગોરવ છે અને દિવાળી સહિતની તમારી ઉજવણીઓમાં સામેલ થવામાં મને આનંદ થશે. હું આશા રાખું છું કે તમારા પરિવાર અને કોમ્યુનિટીના સભ્યો સાથે તમારી દિવાળીની સારી ઉજવણી થાય.’
મેયરે સભ્યોનું તેમના ટેબલ પર જઈને ‘કેમ છો’ કહીને અભિવાદન કર્યું હતું અને બધાને તસવીરો લેવા દીધી હતી. બધાએ ગ્રૂપ ડાન્સ અને સ્વાદિષ્ટ શાકાહારી ભોજનને માણ્યું હતું.


comments powered by Disqus