ભુજઃ ગુજરાતમાં ટૂંક સમયમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાતમાં ચિત્તાનો વસવાટ શરૂ કરવા માટે મંજૂરી આપી છે. મધ્યપ્રદેશના કુનો પાલપુર જંગલ બાદ કચ્છના બન્ની પ્રદેશમાં આવેલા ઘાંસનાં મેદાનોમાં ચિત્તાના વસવાટ માટે સંવર્ધન અને પ્રજનન કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
વર્ષો પહેલાં ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયેલા ચિત્તા હવે ફરી અહીં જોવા મળશે. આથી બન્નીમાં વાઇલ્ડ લાઇફ પ્રવાસન પ્રવૃત્તિ પણ વધશે. સરકારનાં સૂત્રો જણાવે છે કે, શરૂઆતમાં 10 ચિત્તા આફ્રિકાથી લાવીને મર્યાદિત વિસ્તારમાં રખાશે, જ્યાંથી વનવિભાગ તેના પર યોગ્ય દેખરેખ રાખી શકે. તેઓ આ વાતાવારણ સાથે તાલમેલ સાધી લે તે બાદ તેમને મુક્ત વિહરી શકે તે રીતે રખાશે. આફ્રિકન ચિત્તા જ્યારે મધ્યપ્રદેશમાં વસાવાયા, ત્યાર બાદ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી. સૂત્રો જણાવે છે કે, અહીં ચિત્તાના વસવાટ માટે અનુકૂળ માહોલ છે. બન્નીના ઘાંસનાં મેદાનોમાં ચિત્તાના ખોરાક માટે જંગલી ભૂંડ, હરણ, કાળિયાર, રોઝડાં તથા નાનાં સસલાં જેવાં પ્રાણીઓ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.

