ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ફિનટેક પર વૈશ્વિક વિચાર માટે લીડરશિપ પ્લેટફોર્મ ઇન્ફિનિટી ફોરમની બીજી એડિશનને સંબોધન કર્યું હતું. આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીના સંદર્ભમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. આ જાહેરાતો કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગિફ્ટ સિટીમાં રેસિડેન્શિયલ યુનિટ્સની વધારાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારાના આવાસ યુનિટ્સને મંજૂરી આપી છે.
ગિફ્ટ સિટીના ફેઝ-2નો ડેવલપમેન્ટ પ્લાન પણ તૈયાર છે, જેમાં 886 એકર વિસ્તારને વધારીને 3300 એકર વિસ્તાર કરાયો છે. આ ડેવલપમેન્ટ પ્લાન વાઇબ્રન્ટ સમિટ પહેલાં જાહેર કરાશે. આ નવા ડી.પી. અંતર્ગત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનતાં ગિફ્ટ સિટી નજીક બધી જ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સાથે વિશાળ ટાઉનશિપ બનશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં આ પ્રકારની બેઠકનું આયોજન ગુજરાત માટે ગર્વની વાત છે અને તેના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જાય છે. ‘ગિફ્ટ સિટીની કલ્પના એક ગતિશીલ વ્યવસ્થા તરીકે કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય ધિરાણની પૃષ્ઠભૂમિને નવેસરથી પરિભાષિત કરશે.’ 80 ફંડ મેનેજમેન્ટ કંપનીઓ અત્યારે આઇએફએસસીએ અંતર્ગત નોંધાયેલી છે, જેણે 24 અબજ ડોલરથી વધારેનું ફંડ સ્થાપિત કર્યું છે અને 2 અગ્રણી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીને વર્ષ 2024માં ગિફ્ટ આઇએફએસસીમાં તેમના અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.

