ગાંધીનગરઃ ગુજરાતની 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનો કુલ ખર્ચ રૂ. 150 કરોડ કરતાં વધુ થવાની સંભાવના છે, કેમ કે માત્ર પાટનગરના માર્ગો અને મહાત્મા મંદિરને શણગારવાનો ખર્ચ રૂ. 35 કરોડ અંદાજવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અત્યારે વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં ગળાડૂબ છે. સરકારના વિભાગોને અલગ અલગ ટાર્ગેટ આપી દેવાયા છે.
ગુજરાતમા 2019માં સમિટ થઈ હતી, ત્યારે તેનો સત્તાવાર ખર્ચ રૂ. 77,90,50,000 થયો હતો, જે આ વર્ષે સત્તાવાર રીતે બમણો ખર્ચ કરાશે. રાજ્ય સરકારે તેના બજેટમાં ખર્ચની જોગવાઈ કરી છે, પરંતુ તે અપૂરતી હોવાથી આગામી બજેટમાં સમાવેશ કરાશે.
સમિટનું સ્થળ મહાત્મા મંદિર છે, તેથી તેને ઉપરાંત ગાંધીનગરને શણગારવા માટે સરકારે રૂ. 35 કરોડનું ખાસ બજેટ ફાળવ્યું છે. શહેરના રાજમાર્ગો, ટ્રાફિક સર્કલો તેમજ રોડની બંને તરફ બ્યૂટિફિકેશન માટે આ ખર્ચ કરાશે. અમદાવાદના સાબરમતીથી કોબા અને એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના માર્ગોને ફૂલોથી સુશોભિત કરવામાં આવશે.
2019ની સરખામણીએ વધુ પાર્ટનર કન્ટ્રી
આ સમિટમાં અત્યાર સુધીમાં 15 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા છે, જ્યારે 14 આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સંગઠનો આવી રહ્યાં છે. ઉદ્યોગ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024માં થનારી સમિટમાં સરકારે 100 દેશના પ્રતિનિધિને આમંત્રણ આપ્યાં છે. સમિટના સમય દરમિયાન મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ સુધી 25 હજાર જેટલા ડેલિગેટ્સ હાજરી આપશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 માટે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે પ્રિ-ઇવેન્ટ સહિત આયોજનની તૈયારી ચાલી રહી છે ત્યારે અત્યાર સુધીમાં 16 દેશ અને 14 સંસ્થાએ ભાગીદાર તરીકે સંમતિ આપી છે, જે 2019ની સરખામણીએ વધુ છે.
વાઇબ્રન્ટ સમિટ ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે 10થી 12 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાશે.

