ગાંધીનગરઃ નવરાત્રીના ગરબા હવે માત્ર ગુજરાત કે ભારતની જ શાન નથી, પરંતુ વૈશ્વિક ઓળખ બની ચૂક્યા છે, જેને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરીને ગરબા ભારતનું 15મું તત્ત્વ બની ચૂક્યા છે. આ પહેલાં દેશનાં 14 સાંસ્કૃતિક તત્ત્વોને આ માન્યતા પ્રાપ્ત થઈ છે.
ગુજરાતમાં ગરબાને માતા આદ્યશક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે છે. ગુજરાતી ગરબાએ જાતિ, સ્વભાષા અને બોલીના ભેદભાવથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનને આકાર આપવામાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગરબાનો સૌથી મોટો ઉત્સવ એટલે નવરાત્રી જે વિશ્વનો સૌથી લાંબો ચાલનારો ઉત્સવ બની ગયો છે.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, ગરબા, ઉજવણી, ભક્તિ અને સામાજિક સમાનતાનું પ્રતીક કરતી પરંપરા ભૌગોલિક સિમાઓને ઓળંગે છે. આ યાદી આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરે છે.
2 વર્ષ પહેલાં ગરબાનો પ્રસ્તાવ મૂક્યો હતો
યુનેસ્કો દ્વારા ગરબાને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો છે. ભારત સરકારે 2 વર્ષ પહેલાં યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું બોત્સવાનામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ગરબાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજ્યના 29 જિલ્લામાં લાઇવ સ્ટ્રીમિંગ સાથે 4 આઇકોનિક સ્થળોએ પરંપરાગત
ગરબા સાથે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ગુજરાતીઓ માટે આ ગૌરવપૂર્ણ પળ છે. આ જાહેરાત બાદ
પવિત્ર યાત્રાધામ અંબાજી માતાના ચાચર ચોકમાં પણ ઉજવણી કરાઈ હતી.
ગૌરવની ક્ષણ: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, ગુજરાતની ઓળખસમા ગરબાની યુનેસ્કો દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિ વારસા’ તરીકે પસંદગી કરાઈ છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્ત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ પરિણામ છે.
વિશ્વના 45 તત્ત્વોને સ્થાન
પ્રતિનિધિની સૂચિમાં 45 ઘટકોનો સમાવેશ કરાયો છે. ગુજરાતના ગરબા ઉપરાંત અન્ય સાંસ્કૃતિક તત્ત્વોમાં બાંગ્લાદેશની રિક્ષા અને રિક્ષા પેઇન્ટિંગ, થાઇલેન્ડનો ન્યૂ યર ફેસ્ટિવલ સોંગક્રાન, મેડાગાસ્કરના સેન્ટ્રલ હાઇલેન્ડની પર્ફોર્મિંગ આર્ટ હિરગાસીનો સમાવેશ થાય છે. યુનેસ્કો કન્વેન્શ- ફોર ધ સેફગાર્ડિંગ ઓફ ધ ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં હાલ 5 પ્રદેશ અને 143 દેશોને અનુરૂ૫ 704 સાંસ્કૃતિક તત્ત્વો છે, જેમાં અભિવ્યક્તિનાં સ્વરૂપોનો પણ સમાવેશ થાય છે. વિવિધ સમુદાયોની સાંસ્કૃતિક પ્રથાઓને યુનેસ્કો સુરક્ષિત કરે છે.
ભારતની 14 પરંપરા યાદીમાં સામેલ
યુનેસ્કોની યાદીમાં ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે રામલીલા, વૈદિક જાપ-મંત્ર, સંસ્કૃત થિયેટર કુટિયાટ્ટમ, ગઢવાલ હિમાલયનો ધાર્મિક તહેવાર રામ્મન, કેરલનું નૃત્ય અને ધાર્મિક થિયેટર મુડીયેટ્ટુ, રાજસ્થાની નૃત્ય અને કાલબેલિયા લોકગીત, ઓડિશાના મયુરભંજ, ઝારખંડના સરાઇકેલ્લા અને પ.બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં કરાયું ચાઉ નૃત્ય, લદ્દાખના બૌદ્ધ મંત્રોચ્ચાર, મણિપુરનું સંકીર્તન, પંજાબના જંડિયાલામાં પરંપરાગત પિત્તળ અને તાંબાની હસ્તકળા, યોગ, પારસી નવું વર્ષ નવરોજ, કુંભનો મેળો, કોલકાતાની દુર્ગાપૂજાનો સમાવેશ થાય છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર ઉજવણી
યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપતાં ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં તેની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાતી-ભારતીય-અમેરિકન સમુદાયે મોટા પ્રમાણમાં એકઠો થયો હતો. ન્યૂયોર્કમાં ભારતના કાર્યવાહક મહાવાણિજ્ય દૂત વરુણ જૈફે જણાવ્યું કે, આ માત્ર ગરબાની ઉજવણી નથી, પરંતુ ભારતની વિવિધ જીવંત અને પ્રસિદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણી છે. યુનેસ્કોની વેબસાઇટ પ્રમાણે ગરબા એક ભક્તિપૂર્ણ નૃત્ય છે, જે નારીશક્તિની પૂજાને સમર્પિત છે.
ગરબો ગ્લોબલ બનતાં આ 10 ક્ષેત્રોને ફાયદો
• પ્રવાસન ક્ષેત્ર: ગુજરાતને ભારતના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મળશે.
• હોટલ-ટ્રાન્સપોર્ટેશન: વધુ સારા રસ્તા, પરિવહન અને હોટેલ્સની સુવિધાઓ વધશે.
• ગુજરાતી ફૂડ: આંતરાષ્ટ્રીય ફેસ્ટિવેલ, ઈવેન્ટમાં ખમણ, ઢોકળા, થેપલાને બજાર મળશે.
• ગરબાનું ડ્રેસિંગ: આકર્ષણ સર્જતા ચણીયાચોળી, કેડિયા, પાઘડી, દાંડિયાની ડિમાન્ડ વધશે.
• કલાકારોને તકો: ગરબે રમતા ખૈલાયા અને ગીત-સંગીત પીરસતા કલાકારોની તકો વધશે.
• હેન્ડીક્રાફટને વેગ: માટીના ગરબાથી લઈને એમ્બ્રોઈડરી, હેન્ડીક્રાફટના કારીગરોને લાભ.
• ઈવેન્ટ મેનેજમેન્ટઃ આયોજકો, કલાકારો, કોરિયોગ્રાફરોને વૈશ્વિક સ્તરે એક્સપોઝર માટે તકો મળશે.
• બ્રોડકાસ્ટિંગ: ઈવેન્ટ્સનું ટ્રાન્સમિશન, બ્રોડકાસ્ટિંગ, વેબકાસ્ટિંગના નવા ક્ષેત્રે આવક મળશે.
• એડ માર્કેટ: સ્થાનિક કે ઈન્ટરનેશનલ ઈવેન્ટ એ એડવટાઈઝના માર્કેટ તરીકે પણ ઉભરશે.
• મેડિકલ ટુરિઝમ: નવરાત્રિ વેળાએ વિદેશી પ્રવાસીઓના આગમનથી મેડિકલ ટુરિઝમને પણ ઉત્તેજન મળશે.

