અમદાવાદઃ ભારતમાં દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લગ્નની મોસમ હોય છે. આ સમયે એનઆરઆઇ બહોળા પ્રમાણમાં વતન આવતા હોય છે અને અલગ અલગ વસ્તુની ખરીદી કરે છે, તેમાં દવાઓ પણ સામેલ છે. અમેરિકા અને યુરોપના દેશોમાં વસતા એનઆરઆઇ ભારતથી આખા વર્ષની દવા લઈ જતા હોય છે.
ફાર્માસિસ્ટ અને દવાના વેચાણ સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે આ બે મહિના દરમિયાન ખાસ કરીને ક્રિટિકલ કેર અને લાઈફ સ્ટાઈલ સંબંધિત દવાનું વેચાણ 12-15% જેટલું વધે છે. એક અંદાજ મુજબ આ ગાળામાં એનઆરઆઇ ગુજરાતમાંથી આશરે રૂ. 250-300 કરોડની દવાની ખરીદી કરે છે.
ફાર્માસિસ્ટના જણાવ્યા પ્રમાણે વિશ્વના અન્ય દેશોની તુલનામાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં દવાઓ સસ્તી હોય છે. આ કારણે દર વર્ષે વિદેશમાં રહેતા ભારતીયો જ્યારે ભારત આવે છે ત્યારે અહીંથી દવાની ખરીદી કરે છે. ખાસ કરીને જેનરિક દવાઓ વધુ લઈ જતાં હોય છે. જોકે, અહીંથી દવા વિદેશ લઈ જવા માટે સ્થાનિક ડોક્ટર્સનું પ્રિસ્ક્રિપ્શન અને પાક્કું બિલ હોવું જરૂરી છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને જણાવ્યું કે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં દવાનું વેચાણ 12-15% જેટલું વધી જાય છે.

