ગાંધીનગરઃ અમદાવાદથી ગાંધીનગર વચ્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 દુબઈનું શોભા ગ્રૂપ રૂ. 1000 કરોડના ખર્ચે બનાવશે. રિવરફ્રન્ટ ડેવલપ કરવા શોભા ગ્રૂપ એક હજાર કરોડની ચેરિટી કરશે, જે અંગેના એમઓયુ રાજ્ય સરકાર અને શોભા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યાં છે. ફેઝ-3 ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ વચ્ચે 4 કિલોમીટરમાં પૂર્વ અને પશ્ચિમ બંને સાઇડે બનાવાશે. ડિસેમ્બરથી અહીં કામ શરૂ કરવાનો અંદાજ છે, જેની ગ્રાઉન્ડ સેરેમની વાઇબ્રન્ટ સમિટમાં યોજાશે. વાઇબ્રન્ટ સમિટમાં શોભા ગ્રૂપ હાજર રહેશે.
એમઓયુ મુજબ દરવર્ષે શોભા ગ્રૂપ ચેરિટી થકી રૂ. 200 કરોડ આપશે અને 5 વર્ષમાં કુલ રૂ. 1000 કરોડ ખર્ચી રિવરફ્રન્ટ ફેઝ-3 તૈયાર કરશે. ફેઝ-3 માટે નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારે સાબરમતી રિવરફ્રન્ટ કંપનીની નિયુક્તિ કરી છે, જે માત્ર સુપરવિઝનનું કામ કરશે.
શાહીબાગથી ઇન્દિરા બ્રિજ વચ્ચેના 5.8 કિલોમીટરમાં ફેઝ-2માં રૂ. 850 કરોડના ખર્ચનો અંદાજ છે. ફેઝ-3 ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ વચ્ચે 4 કિલોમીટરમાં તૈયાર થશે. જેમાં ફેઝ-2 કરતાં રૂ. 200 કરોડ વધુ ખર્ચાશે. આમ રિવરફ્રન્ટ ફેઝ-1 કરતાં ફેઝ-2 વધુ શ્રેષ્ઠ બનાવવા કવાયત થઈ રહી છે. ફેઝ-2 વધારે હરિયાળો બનાવવા બંને કાંઠે વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા તેમજ સીંટિંગ એરેન્જમેન્ટ સુવિધા ઊભી કરવા પ્રયાસ થઈ રહ્યા છે.

