નવી દિલ્હીઃ હાલમાં જ યોજાયેલી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી બાદ તમામ પાંચ રાજ્યમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ચૂકી છે. તેલંગાણામાં કોંગ્રેસ દ્વારા રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવી સરકારની રચના કરવામાં આવી, જ્યારે મિઝોરમમાં ઝેડપીએમ પક્ષના લાલદુહોમાએ મુખ્યમંત્રીપદના શપથ લઈ સરકારની રચના કરી છે. ભાજપ દ્વારા મધ્ય પ્રદેશમાં મોહન યાદવ, છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાઈ અને રાજસ્થાનમાં ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદની કમાન સોંપવામાં આવી છે. આ તમામ 13 ડિસેમ્બરે બુધવારે મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે.
ભાજપ દ્વારા ક્યાસ લગાવાતો હતો તે પ્રમાણે જ જાહેરાત કરવામાં આવી છે. આ વખતના મુખ્યમંત્રીપદ માટે અનેક જાણીતા નામ ચર્ચાતાં હતાં, પરંતુ તમામ ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં બિલકુલ નવા ચહેરાને જ મુખ્યમંત્રીની કમાન સોંપાઈ છે. જ્યારે તમામ ત્રણ રાજ્યમાં ભાજપે વન પ્લસ ટુ ફોર્મ્યુલા રાખવામાં આવી છેે.
શિવ‘રાજ’નો અંતઃ મોહન યાદવ મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી
ભાજપે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત કરીને ફરી એક વખત રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ ઓબીસી સમાજના નેતા અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહન યાદવનું નામ મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યું હતું. આ સાથે શિવરાજસિંહ ચૌહાણના 18 વર્ષના શાસનનો અંત આવ્યો છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત પછી ભાજપના ધારાસભ્યોએ સોમવારે 58 વર્ષના મોહન યાદવને નેતા તરીકે પસંદ કર્યા હતા. મોહન યાદવ આરએસએસની નજીક હોવાનું મનાય છે અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજ્યમાં 48 ટકાથી વધુ ઓબીસી હોવાથી મુખ્યમંત્રી પદ માટે ઓબીસી ચહેરો લોકસભા માટે પણ ભાજપને ફાયદો કરાવશે.
છત્તીસગઢમાં વિષ્ણુદેવ પહેલા આદિવાસી મુખ્યમંત્રી
છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપે કદાવર આદિવાસી નેતા અને પાર્ટીમાં ઘણા જૂના વિષ્ણુદેવ સાઈના નામની જાહેરાત કરી દીધી છે. આ સાથે છત્તીસગઢમાં પહેલી વખત કોઈ આદિવાસી મુખ્યમંત્રીપદે આવ્યા છે. આ સિવાય અરુણ સાવ અને વિજય શર્માની નાયબ મુખ્યમંત્રી તરીકે, જ્યારે વરિષ્ઠ નેતા રમણસિંહની સ્પીકર તરીકે પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રીપદે પણ ઓબીસી નેતા અરુણ સાવ શપથ લેશે.
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માઃ રાજે ‘નારાજ’
રાજસ્થાનમાં સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ હાઇકમાન્ડ દ્વારા ભજનલાલ શર્માના નામની જાહેરાત કરાઈ હતી, જે અંગે સૌએ સહમતી દર્શાવી હતી. ભજનલાલ શર્મા સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓ મૂળ ભરતપુરના રહેવાસી છે. હાલમાં તેઓ પ્રદેશ મહામંત્રી પદ પણ સંભાળી રહ્યા હતા. મળતી માહિતી મુજબ વસુંધરા રાજે આ નિર્ણયથી નારાજ હતાં.
મિઝોરમમાં ZPMના લાલદુહોમા મુખ્યમંત્રી
જોરમ પીપલ્સ મૂવમેન્ટ એટલે કે ZPMના નેતા લાલદુહોમાએ શુક્રવારે મિઝોરમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 73 વર્ષીય લાલદુહોમા સાથે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ હરિબાબુ કંભમપતિએ લાલદુહોમા અને અન્ય મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. 40 સભ્યોની વિધાનસભા સાથે મિઝોરમમાં મુખ્યમંત્રી સહિત 12 મંત્રીઓ રાખી શકાય છે.
રેવંત રેડ્ડી તેલંગાણાના નવા સુકાની
તેલંગાણામાં કોંગ્રેસના વિજય બાદ રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગાણાના સીએમ પદના શપથ લીધા હતા. સીએમ સિવાય નાયબ મુખ્યમંત્રી અને અન્ય 11 મંત્રીએ પણ શપથ લીધા હતા. આ શપથગ્રહણ ગુરુવારે ભવ્ય એલબી સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવ્યો હતો. સમારંભમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
લોકસભાને લઈને ભાજપની રણનીતિ
ભાજપે હિન્દુઓ, ઓબીસી પછી હવે આદિવાસીઓને પોતાની બાજુ ખેંચવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયત્નો શરૂ કર્યા છે, જેના ભાગરૂપે ભાજપ રાષ્ટ્રપતિપદે દ્રૌપદી મુર્મૂની પસંદગી બાદ અન્ય રાજ્યોમાંં પણ આદિવાસી મતોને સાધવાનો પ્રયત્ન કરશે.

