નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે શુક્રવારે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ કેશ ફોર ક્વેરીના આરોપ પર લોકસભામાં એથિક્સ કમિટી દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. જેના બાદ ધ્વનિમતના આધારે મહુઆનું સંસદસભ્ય પદ રદ કરી દેવાયું છે.
એથિક્સ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં મહુઆ વિરુદ્ધના આરોપને ગંભીર ગણાવવામાં આવ્યા હતા અને કાર્યવાહીની માગની સાથે સંસદસભ્ય પદ રદ કરવાની માગણી કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે મહુઆ મોઇત્રા પર નાણાં લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવાયો હતો. સાથે જ મહુઆ પર પોતાના મિત્ર હીરાનંદાનીને સંસદનું લોગઇન અને પાસવર્ડ આપવાનો પણ આરોપ લગાવાયો હતો. એથિક્સ કમિટીએ આ આરોપોને સાચા ઠેરવ્યા હતા. આ અંગે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આ સદન સમિતિના નિષ્કર્ષનો સ્વીકાર કરે છે. આ કારણે તેમનું સાંસદ રહેવું અયોગ્ય છે.
શું કહ્યું મહુઆએ?
સાંસદપદ રદ થયા બાદ મહુઆ મોઇત્રા દ્વારા આ અંગે રિએક્શન આપવામાં આવ્યું. મહુઆએ કહ્યું કે, મારા વિરુદ્ધ કોઈ પુરાવા નથી. મેં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આગળ પણ ઉપાડતી રહીશ. મને મળેલા કોઈપણ ઉપહારનો કોઈ પુરાવો નથી. મને નિષ્કાસિત કરવાની ભલામણ એ આધારે કરાઈ છે કે મેં મારું પોર્ટલ લોગઇન અને પાસવર્ડ અન્યને આપ્યાં હતાં. જેને નિયંત્રિત કરવા માટે કોઈ નિયમ જ નથી. એથિક્સ કમિટી પાસે નિષ્કાસિત કરવાનો કોઈ અધિકાર જ નથી. આ ભાજપના અંતની શરૂઆત છે.

