રાજકોટઃ સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગમાં છેલ્લાં 2 વર્ષથી જન્મથી મૂક-બધિર બાળકોની સચોટ તપાસ બાદ કાનનું કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવે છે. છેલ્લાં 2 વર્ષમાં આ પ્રકારનાં 75 બાળકોના સચોટ નિદાન અને ઇમ્પ્લાન્ટનાં સફળ ઓપરેશન થકી તેમનો સામાન્ય જીવનમાં પ્રવેશ થયો છે.
આ સારવાર માટે સૌપ્રથમ બાળકોની સાંભળવાની શક્તિની પ્રાથમિક તપાસ સરકારી કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક કરવામાં આવે છે, તેમજ સીટી સ્કેન અને એમઆરઆઇ દ્વારા કાનની રચનાની અને મગજના વિકાસની તપાસ કરાય છે.
બાળકોનું નિ:શુલ્ક ઇમ્પ્લાન્ટ ઓપરેશન
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સરકાર તરફથી કોકલીયર ઇમ્પ્લાન્ટના મશીનની ફાળવણી અને બાળકની સંપૂર્ણ શારીરિક તપાસ કરાય છે. ત્યારબાદ બાળકોનું નિ:શુલ્ક ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરાય છે. આ ઓપરેશન બાદ બાળકોને સ્પીચથેરપી વડે બોલવા માટેની તાલીમ અપાય છે. આ ઓપરેશન દ્વારા જન્મજાત મૂક-બધિર બાળકોને સાંભળવાની તેમજ બોલવાની શક્તિ મળી છે. જેનાથી તેઓ પણ સામાન્ય બાળકોની જેમ જ સ્વાવલંબી
બન્યા છે.

