રાજકોટમાં ગુજરાતની એકમાત્ર સરકારી સ્કિન બેન્ક: 25 દાતાએ કર્યું ત્વચાદાન

Wednesday 13th December 2023 05:48 EST
 
 

રાજકોટઃ રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની એકમાત્ર સરકારી સ્કિન બેન્ક કાર્યરત્ છે. આ સ્કિન બેન્કમાં ત્વચાદાન કરવામાં આવે છે, તેમજ બર્ન્સ દર્દીની સારવાર માટે આ ત્વચાનો ઉપયોગ કરાય છે. છેલ્લા કેટલાક સમયથી રક્તદાન તેમજ દેહદાનની જેમ ત્વચાદાન માટે પણ લોકોમાં જાગૃતિ આવી છે. પોતાના સ્વજનને ગુમાવ્યાના દુઃખ વચ્ચે પણ પરિવારો ત્વચાદાન કરતા થયા છે. જેને લઈ રાજકોટ સ્કિન બેન્કને અત્યાર સુધીમાં 25 જેટલા લોકોની ત્વચાનું અનુદાન મળી ચૂક્યું છે. સૌરાષ્ટ્રના 100 કરતા વધુ દર્દીની સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્કિન બેન્ક 24 કલાક કાર્યરત્
સિવિલ અધીક્ષક આર.એસ. ત્રિવેદીના જણાવ્યા મુજબ ગુજરાતની એકમાત્ર સરકારી સ્કિન બેન્ક સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 9 મહિનાથી કાર્યરત્ છે, જેની કામગીરી ખૂબ સારી રીતે ચાલી રહી છે. આ સ્કિન બેન્ક 24 કલાક કાર્યરત્ રહે છે. જ્યારે પણ ત્વચાદાન માટેનો ફોન આવે ત્યારે ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ સહિતની ટીમો 30થી 45 મિનિટમાં દોડી જાય છે. આ સ્કિનને બેક્ટેરિયા, વાઇરસ અને ફંગસ ફ્રી કરીને સ્ટોર કરવામાં આવે છે. બર્ન્સ તેમજ એક્સિડેન્ટના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાય છે.
એક વર્ષમાં 100 કરતાં વધુ દર્દીની સારવાર
સિવિલ અધીક્ષકે વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રથમ 9 માસમાં જ આ સ્કિન બેન્કને 25થી વધારે દર્દીની ત્વચાનું દાન મળ્યું છે, જે ખરેખર ખૂબ સારી બાબત છે. આ ત્વચાદાનનો હાલ ખૂબ સારી રીતે ઉપયોગ પણ થયો છે. જેમાં છેલ્લા એક વર્ષમાં 100 કરતાં વધુ દર્દીની સારવાર માટે દાનમાં મળેલી ત્વચા ઉપયોગી બની છે. જેમાં દર્દીઓની સ્થિતિ મુજબ પાર્શિયલ અથવા કમ્પ્લીટ સ્કિન આપવામાં આવી ચૂકી છે. સ્કિન બેન્કને દાનમાં મળેલી ત્વચા સિવિલનાદર્દીઓને નિઃશુલ્ક અને અન્ય હોસ્પિટલના દર્દીઓને સામાન્ય ચાર્જ સાથે અપાય છે.


comments powered by Disqus