ભાવનગરઃ પોતાના અસ્તિત્વના 40મા વર્ષે અલંગ શિપ રિસાઇકલિંગ ઉદ્યોગ ડચકાં ખાવા લાગ્યો હોય તેવી સ્થિતિનું વર્ણન આંકડાકીય માહિતી આપી રહી છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન સમગ્ર વિશ્વથી ભંગાવવા માટે મોકલવામાં આવેલાં કુલ જહાજો પૈકી અલંગના ફાળે માત્ર 26 ટકા જહાજ આવ્યાં છે.
જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાંથી કુલ 111 જહાજ ભંગાવા માટે મોકલાયાં હતાં. આ યાદીમાં બાંગ્લાદેશ 54 જહાજો સાથે સર્વોચ્ચ સ્થાને છે, એટલે કે કુલ જહાજો પૈકી અડધો હિસ્સો તેઓ ધરાવે છે. અલંગના ફાળે ત્રણ માસમાં માત્ર 29 શિપ આવ્યાં હતાં, તુર્કીમાં 14, પાકિસ્તાનમાં 5 અને યૂરોપિયન દેશોમાં 9 જહાજ ભંગાયાં હતાં.
શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે, છેલ્લાં ત્રણ વર્ષમાં અલંગ ખાતે સ્ક્રેપ કરવામાં આવતાં જહાજોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. વર્ષ 2011-12માં 415 જહાજો ભંગાવા માટે અલંગમાં આવ્યાં હતાં, જે અલંગના ઇતિહાસમાં સર્વોચ્ચ આંકડો હતો. ત્યારબાદનાં વર્ષોમાં જહાજની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
બે સપ્તાહથી એક પણ શિપ નથી આવ્યું
અલંગ શિપ રિસાઇકલિંગ યાર્ડમાં એક સમયે સરેરાશ પ્રતિ દિવસ 1 જહાજ ભંગાવા માટે લાંગરતું હતું, પરંતુ સ્થિતિએ વળાંક લીધો છે અને અલંગના વ્યવસાયમાં ઓટ દેખાઈ રહી છે. 23 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધીમાં એકપણ જહાજ અલંગમાં ભંગાવા માટે આવ્યું નથી.

