અંબાજીઃ યાત્રાધામ અંબાજી મંદિરમાં વીઆઇપી દર્શન વ્યવસ્થા અંગે ઊઠેલા આક્ષેપો અને સવાલો બાદ મંદિર ગર્ભગૃહમાં દર્શન વ્યવસ્થા સદંતર બંધ કરી દેવાઈ છે. જેને લઈને મા અંબાનાં દર્શને આવતા સેંકડો માઇભક્તોમાં જાણે અમીર-ગરીબની ભેદરેખા દૂર થઈ હોવાનો અહેસાસ અને આનંદ પ્રવર્ત્યો છે. બીજી તરફ આ વ્યવસ્થા અકબંધ જળવાઈ રહેશે કે કેમ તે બાબતે પણ શ્રદ્ધાળુઓમાં સવાલો ઊભા થયા હતા.
ડાકોર મંદિર બાદ યાત્રાધામ અંબાજી મંદિરમાં વીઆઇપી દર્શન કરવા માટે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા કરાયેલા આક્ષેપ બાદ વીઆઇપી દર્શન વ્યવસ્થા ૫૨ સદંત૨ રોક લગાવાઈ છે. અંબાજી દર્શનાર્થે આવતા ભક્તોમાં આ નિર્ણયથી આનંદની લાગણી પ્રવર્તી છે.
અંબાજી મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ભાદરવી સુદ આઠમ 23 સપ્ટેમ્બરથી લઈને ભાદરવા સુદ પૂનમ 29 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિરમાં સવારે 6 વાગ્યે આરતી થશે અને સવારે 6:30થી 11:30 વાગ્યા સુધી દર્શન થશે. જે બાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે. બપોરે 12 :30 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. સાંજની આરતી 7 વાગ્યે થશે અને 7:30 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિરના કપાટ ખુલ્લા રહેશે.

