બેંગલુરુઃ ભારતે પોતાના પ્રથમ સૂર્ય મિશન અનુસંધાનમાં આદિત્ય એલ-1 યાનને સૂર્યની બહારની સપાટીના વાતાવરણનો અભ્યાસ કરવા મોકલ્યું છે. રવિવારે પરોઢિયે યાનની પૃથ્વીની કક્ષા સંબંધિત ત્રીજી પ્રક્રિયાને પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થાન (ઇસરો) દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. ઇસરોએ જણાવ્યું કે, અંતરીક્ષ એજન્સીના બેંગલુરુ ખાતેના ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કે આ અભિયાનને રવિવારે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ઇસરોએ પોસ્ટમાં જણાવ્યું કે, ‘પૃથ્વીની કક્ષા સંબંધિત ત્રીજી પ્રક્રિયા ઇબીએન - 3 બેંગલુરુ ખાતેના ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક ખાતેથી પાર પડાઈ છે.

