નવી દિલ્હીઃ દેશનું નામ ‘ભારત’ રાખવાની ચર્ચામાં બુધવારે વધુ એક અધ્યાય જોડાયો અને તેનું કારણ એ છે કે સરકારે જી-20 સમિટ માટે પ્રસિદ્ધ કરેલી બુકલેટમાં ‘ભારત’ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમાં લખાયું છે કે ‘ભારત, ધ મધર ઓફ ડેમોક્રેસી’. દરમિયાન કેન્દ્ર 19મીએ આવો કોઈ પ્રસ્તાવ લાવી શકે તેવી શક્યતા છે. જો એવું થાય તો બંધારણની કલમ 1માં ફેરફાર કરવો પડશે. આ પ્રક્રિયામાં 3 દિવસનો સમય થઈ શકે છે. લોકસભા અને રાજ્યસભામાં વિધેયક પસાર કરાવવામાં એક- એક દિવસ અને રાષ્ટ્રપતિની સહી લેવામાં એક દિવસ જાય. જો કે સરકારી કામમાં ‘ભારત’નો ઉપયોગ કરવા માટે કેબિનેટ સચિવ જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાજ્યોને નિર્દેશ આપી શકે છે, પરંતુ આ જાહેરનામાને સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાય છે એટલે બંધારણમાં ફેરફારની પ્રક્રિયા જ યોગ્ય છે.
અસર: પાસપોર્ટ અને વિવિધ સંધિઓમાં ફેરફાર કરવા પડશે
સંસદમાં ફેરફાર પછી પણ પ્રક્રિયા સરળ નથી. વિશ્વભરમાં દેશની ઓળખ રિપબ્લિક ઓફ ઇન્ડિયા નામથી છે. એવામાં વિવિધ દેશો સાથે કરાયેલી સંધિઓમાં ફેરફાર કરવા પડશે. વિશ્વભરમાં રહેતા દેશવાસીઓના પાસપોર્ટ બદલાશે.
ખર્ચ: નામ બદલવા માટે રૂ. 14 હજાર કરોડનો ખર્ચ થઈ શકે છે
દેશનું નામ બદલવા પાછળ રૂ. 14,304 કરોડનો ખર્ચ થઈ શકે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી વકીલ ડેરેન ઓલિવિયરના કહેવા પ્રમાણે આ ખર્ચ કુલ આવકના 6% થાય છે. આ રકમ ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ હેઠળ 80 કરોડ લોકોને અપાતા એક મહિનાના અનાજના ખર્ચ જેટલી છે.

