અમદાવાદઃ બંગાળના અખાતમાં લો પ્રેશરની અસરને પગલે ગુજરાતમાં સતત બે દિવસ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જે અંતર્ગત પંચમહાલના મોરવા હડફમાં બે કલાકમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા વિરામ બાદ પરત ફર્યા છે. પંચમહાલ મોરવાહડફમાં સવારે 8થી 10 દરમિયાન બે ઈંચ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. રાજ્યમાં અન્યત્ર જ્યાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે તેમાં દોઢ ઈંચ સાથે ખેડાના મહેમદાવાદ, સવા ઈંચ સાથે નડિયાદ, 1 ઈંચ સાથે આણંદના સોજિત્રા - ખેડાના વસો, માતર – મહિસાગરના સંતરામપુર – તાપીના કુકરમુંડા - ડાંગના વઘઈ, દાહોદના સંજેલીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
ડાંગમાં 9, નવસારીમાં 5 ઇંચ વરસાદ
બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા સવા મહિના બાદ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં બારે મેઘખાંગા થતા વલસાડના ડાંગમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબકી ગયો. જ્યારે નવસારીના ખેરગામમાં 5 ઇંચ વરસાદને પગલે જિલ્લામાં ડાંગર, શેરડી, નાગલી સહિત ખરીફ પાક લેતા ખેડૂતોને રાહત થઇ છે.જ્યારે નડિયાદ-કઠલાલમાં 2, મહુધામાં 1, કપડવંજમાં અડધો ઇંચ, વલસાડ-કપરાડા- ધરમપુરમાં સરેરાશ ૩ ઇંચ, સુરતના ઉમરપાડામાં ધોધમાર 122 મિમી (4.8), સોનગઢ માં 57 મિમી 2.2 વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ થઇ રહ્યા છે. આહવા તાલુકાની ચૌક્યા ગામે ખાપરી નદીમાં ચેકડેમ પાર કરવા જતાં એક આધેડ તણાયા હતા. જિલ્લામાં ચાર દિવસ વરસેેલા વરસાદના કારણે નાનાં-મોટાં ઝરણાં ફરી સક્રિય થયાં હતાં અને અંબિકા નદી પર આવેલા વઘઈ નજીક ગિરા ધોધ ફરી તેની આગવી છટામાં ખીલતા પ્રવાસીઓને મજા પડી ગઈ છે. બુધવારથી સતત પ્રવાસીઓ આવતા સાપુતારા હિલ સ્ટેશન પર પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. ઉત્તર ગુજરાતના 22 તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. જેમાં 48 કલાકમાં વડનગરમાં સવા બે, વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો.

