દ્વારકા મંદિર કોરિડોરના ખાતમુહૂર્તની તૈયારી

Wednesday 13th September 2023 07:31 EDT
 
 

દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આસપાસની ગીચતા ને સતત વધતા દર્શનાથીઓના ટ્રાફીકને લીધે તેમજ મંદિરની ભવ્યતામાં વધારો કરવાની નેમ સાથે કેન્દ્ર સ૨કા૨ે ડિસેમ્બર 2022માં દ્વારકા કોરિડોર પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જેનું ઉદઘાટન જન્માષ્ટમી દરમિયાન કરવાનું પ્રારંભિક પ્લાનિંગ કરાયું હતું, પરંતુ જન્માષ્ટમીમાં યાત્રિકોની ભીડ રહેતી હોઈ ખાતમુહૂર્ત પાછળ ઠેલાયું છે અને ટૂંક સમયમાં જ કોરિડોર પ્રોજેક્ટના ભવ્યાતિભવ્ય ખાતમુહૂર્તની સંભાવના જોવાઈ રહી છે. કોરિડોર પ્રોજેક્ટ અનુસંધાને શરૂ કરાયેલા સરવેની કામગીરી પૂર્ણતાને આરે છે. ખાતમુહૂર્ત સાથે જ કોરિડોરની કામગીરી શરૂ થવાની સંભાવના છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળ, મથુરા, વૃંદાવનમાં બાળલીલા બાદ દ્વારકા આવ્યા અને રાજાધિરાજ દ્વારકાધીશે અહીંની ભૂમિને કર્મભૂમિ બનાવી હતી. કૃષ્ણની કર્મભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણની પણ જાહેરાત કરાઈ છે, જેથી કોરિડોર પ્રોજેક્ટના વિકાસની સાથે શ્રીકૃષ્ણની અદ્વિતીય પ્રતિમાના નિર્માણની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.


comments powered by Disqus