રાજપીપળાઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વ્યવસાયિક હિત ધરાવતા ભાજપના જ કેટલાક આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની કાનભંભેરણી કર્યાનો આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, આ 4 નેતામાં બે ધારાસભ્ય છે. તેમણે નાંદોદના ધારાસભ્ય દર્શન દેશમુખ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલ અને ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રકાશ દેસાઈ સામે સી.આર. પાટીલની કાનભંભેરણી કર્યાનો આક્ષેપ મૂક્યો છે.
તેમણે કહ્યું કે, નવા નિશાળિયા પક્ષના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિરોધ પાછળનું મુખ્ય કારણ રેત માફિયાઓ સાથેનું તેઓનું કનેક્શન છે. આવા લોકો સત્તાનો દુરુપયોગ કરી માફિયા અને ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરી રહ્યા હોવાની વાત તેમણે કહી હતી.
ચૈતર વસાવાને ભાજપમાં
લાવવાના હેતુથી ઝુંબેશ
નર્મદા જિલ્લામાં માટી અને રેતીની અનેક લીઝ આવેલી છે અને તેમાંથી મોટાભાગની ભાજપના નેતાઓ કે તેમના મળતિયાઓની છે. વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, તેમના વિરોધીઓ ચૈતર વસાવા અને હરેશ વસાવાને ભાજપમાં લાવવા માગે છે, માટે તેમની વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરાવી છે અને તેના ભાગરૂપે કાનભંભેરણી થઈ રહી છે.

