રાજકોટની એઈમ્સનું વડાપ્રધાન મોદી ડિસેમ્બરમાં લોકાર્પણ કરશે

Wednesday 13th September 2023 07:25 EDT
 
 

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા લોકહિત અને જાહેર જનતાના ઉપયોગમાં આવી શકે તેવા મહત્ત્વના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મહત્ત્વના બે પ્રોજેક્ટ એવા સૌરાષ્ટ્રના ગેટ વે ઓફ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા રાજકોટની એઇમ્સ હોસ્પિટલ અને દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ આગામી ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી સંભાવના છે.
રાજકોટ એઇમ્સ અને દ્વારકાના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બંને પ્રોજેક્ટ અત્યારે પૂર્ણતાના આરે છે. ટૂંક સમયમાં બંને પ્રોજેક્ટને પૂર્ણ કર્યા બાદ આ બંને પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જો કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
નોંધનીય બાબત એ છે કે, રૂ. 978 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દ્વારકા ખાતે આવેલા સિગ્નેચર બ્રિજનું જુલાઈ-2023 સુધીમાં 92 ટકા કામ પૂર્ણ થયું છે, ત્યારે હવે ફક્ત બ્રિજનું ટેસ્ટિંગ કામ સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈનો આ બ્રિજ છે, જેમાં 900 મીટર કેબલ સ્ટેઇડનો ભાગ રાખવામાં આવ્યો છે.


comments powered by Disqus