સુરેન્દ્રનગરઃ મૂળ સુરેન્દ્રનગરના વતની અને વર્ષોથી અમેરિકાના લોસ એન્જલસમાં સ્થાયી થઈને ગુજરાતના લોકસંગીત તેમજ લોકકલાના વારસાને સાત સમુદ્ર પાર જીવંત રાખનારા લોકગાયક અરવિંદભાઈ મુગટલાલ જોશીનું 6 સપ્ટેમ્બરે શીતળા સાતમની સાંજે 88 વર્ષની વયે નિધન થયું.
છેલ્લાં બે વર્ષથી બીમાર અવસ્થામાં પસાર કરવા છતાં યુવાનોને પણ શરમાવે એવા પહાડી અવાજથી ગીતો ગાતા અરવિંદભાઈના સ્વરે ઝવેરચંદ મેઘાણીની અમર રચના ‘મને લાગ્યો કસુંબીનો રંગ’ ગીત સાંભળવું એક લહાવો હતો.
ભારત અને ગુજરાતની લોકકળા, લોકસંગીત અને લોકસાહિત્યને જીવંત રાખવા તેઓ લોસ એન્જલસમાં ઇન્ડિયન કલ્ચરલ એકેડેમી ઓફ લોસ એન્જલસ નામની સંસ્થા સ્થાપીને સતત કાર્યરત્ હતા. તેમના નિધનથી નોર્થ અમેરિકાને એક અણમોલ કલાકાર અને સાહિત્યના સંવર્ધકની ખોટ પડી છે. થોડાં વર્ષો પહેલાં અરવિંદભાઈ જોશીને સુરેન્દ્રનગર ખાતે કલારત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, તો લોસ એન્જલસની સંસ્થાઓ દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી પણ નવાજાયા હતા.

