વિજાપુરનું ગામ શ્રીરામના રંગે રંગાયું, શેરી-શેરીએ રામાયણનાં ચિત્રો દોરાયાં

Tuesday 12th September 2023 07:52 EDT
 
 

ગોઝારિયાઃ વિજાપુર તાલુકાનું સયાજીનગર ગામ તેની સ્વચ્છતાની સાથે અન્ય એક બાબતે ઓળખાઈ રહ્યું છે. આખું ગામ એક જ રંગમાં એટલે કે કેસરિયા રંગમાં જોવા મળી રહ્યું છે. ગામના પ્રવેશદ્વારથી લઈ ગામના દરેક રસ્તામાં આવતાં મકાનોની દીવાલો કેસરિયા રંગે રંગાયેલી છે અને આ દીવાલો પર ચિત્રણ કરેલાં રામાયણનાં વિવિધ પાત્રો જોનારાની આંખો ઠારી રહ્યા છે.
ગામના સરપંચ દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગામમાં 1002 જેટલી વસ્તી છે. છેલ્લાં દોઢ વર્ષમાં અંદાજે રૂ. 2 કરોડના ખર્ચે ગામમાં પેવરબ્લોક, રોડ-રસ્તા, ગટરલાઇન સહિતનાં વિકાસકામો કરાયાં છે. ગામ જલશક્તિ, સ્વચ્છતા, રોડ સહિત કામો થતાં નિર્મળ ગામ બન્યું છે. આખું ગામ કેસરિયા રંગથી રંગવામાં આવ્યું છે અને ગામના પ્રવેશદ્વારથી લઈ તમામ શેરી-મહોલ્લાના રસ્તામાં આવતાં દરેક મકાનોની દીવાલો પર રામાયણનાં ચિત્રો દોરવામાં આવ્યાં છે.
મધ્યપ્રદેશના કારીગરોને બે મહિના લાગ્યા
સયાજીનગર ગામમાં રામાયણનાં ચિત્રો બનાવવા માટે મધ્યપ્રદેશ જલબલપુરના ચાર કારીગરોને બોલવાયા હતા અને તેમણે ગામના તમામ રસ્તા પર આવેલાં મકાનોની દીવાલો પર રામાયણનાં પાત્રોનું પેઇન્ટિંગ કર્યું હતું. આ કામમાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો, જેમાં કલર સહિતનો રૂ. 8.61 લાખનો ખર્ચ થયો હતો. વાલ્મીકિ ઋષિ, ભગવાન શ્રીરામ, હનુમાનજી તેમજ લવ-કુશના જન્મ સુધીનાં ચિત્રો કંડારાયેલાં છે.


comments powered by Disqus