હિરાસર એરપોર્ટનો આરંભઃ ઈન્દોર ફ્લાઈટને વોટર સેલ્યૂટ

Wednesday 13th September 2023 07:29 EDT
 
 

રાજકોટઃ રૂ. 1405 કરોડના ખર્ચે રાજ્યના સૌપ્રથમ રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું 27 જુલાઈએ વડાપ્રધાને લોકાર્પણ કર્યા બાદ રવિવારે ઇન્દોરથી આવી પહોંચેલી પેસેન્જર ફ્લાઇટ અને વાયુસેનાના વિમાનનું નવા એરપોર્ટ પર લેન્ડિંગ થતાં વોટર કેનનથી સ્વાગત કરાયું હતું અને તમામ મુસાફરોને રાસ–ગરબા સાથે કુમકુમ તિલક કરીને આવકારાયા હતા.
હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે સૌપ્રથમ ઇન્દોરની ફ્લાઇટ આવી પહોંચતાં મુસાફરોનું સ્વાગત કરાયું હતું.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોજ 12 ફ્લાઇટનું આવાગમન થશે. તેમાં સૌથી વધુ મુંબઈની 5, ઉદેપુર – ઇન્દોરની 2, દિલ્હીની 2, બેંગલુરુ, પુણે અને ગોવાની એક - એક ફલાઇટનો સમાવેશ થાય છે. રોજના 1200થી 1500 મુસાફરો વિમાની સેવાનો લાભ લઈ રહ્યા છે.
રાજકોટના જૂના એરપોર્ટને ગત શુક્રવારે બંધ કરાયા બાદ રવિવારે હિરાસરમાં નવા એરપોર્ટને વિધિવત ચાલુ કરી દેવામાં આવ્યું છે. નવા એરપોર્ટમાં ફ્લાઇટના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એકસાથે 14 વિમાનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
વિમાની મુસાફરો માટે રાજકોટથી એસ.ટી. તંત્ર દ્વારા દર 2 કલાકે એક એમ નવી 8 એ.સી. ઇલેક્ટ્રિક બસનો રવિવારથી પ્રારંભ કરાયો છે.


comments powered by Disqus