ભરૂચઃ કોંગ્રેસના ચાણક્ય ગણાતા સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે કરેલી મુલાકાતનો ફોટો પોસ્ટ કરતાં ફૈઝલ પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની રાજકીય હવા સમગ્ર ગુજરાતમાં ફેલાતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ અંગે મુમતાઝ પટેલે ભાઈના બચાવમાં આવતાં સમગ્ર વાતને હાસ્યાસ્પદ ગણાવી આવી વાતો ફેલાવનારા લોકોને ટાઇમપાસ કરવા દો તેમ જણાવ્યું હતું.
ફૈઝલ પટેલે પોતાની પોસ્ટમાં આ સંદર્ભે કોઈ કેપ્શન ન લખતાં અટકળો તેજ થઈ ગઈ હતી. હંમેશાં ફૈઝલના બચાવમાં આવી જતાં અહેમદ પટેલની પુત્રી અને કોંગ્રેસમાં સક્રિય મુમતાઝ પટેલે ફૈઝલના ભાજપમાં જોડાવાની વાતને માત્ર અફવા ગણાવતાં જણાવ્યું હતું કે, ફૈઝલને ભાજપમાં જવું હોત તો સી.આર. પાટીલ અને અમિત શાહ તેમને ભાજપનો ખેસ પહેરાવતા હોય તેવો જ ફોટો પોસ્ટ ન કરત.

