સુરતઃ હીરાઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ફરી એક પરિવાર દ્વારા સામૂહિક આત્મહત્યાનું આતંકિત પગલું ભરવામાં આવ્યું છે, જેમાં પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું હતું. સુરતના પુણા સીમાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ બુધવારે રાત્રે સીમાડા નહેર પાસે ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આત્મહત્યા કરી હતી.
બુધવારે રાત્રે મોરડિયા પરિવારના મોભી વિનુભાઈ પત્ની શારદાબેન, પુત્રી ટીના તથા પુત્ર ક્રિશ સાથે સીમાડા નહેર બીઆરટીએસ રોડ પર ગયા હતા અને ત્યાં ચારેય જણાએ અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. ત્યારબાદ ચારેય જણાને હોસ્પિટલમાં ખસેડાતાં સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યાં હતાં. જ્યારે તેમના અન્ય બે સંતાનો પૈકી મોટી પુત્રી રુચિતા માસીના ઘરે ગઈ હતી અને પુત્ર પાર્થ ઘરે જ હોઈ બંનેનો બચાવ થયો હતો.
હીરાઉદ્યોગની મંદીમાં આર્થિક રીતે કંગાળ થયેલા પરિવારની જવાબદારી પૂરી કરવામાં પહોંચી ન વળતાં સ્વમાની પિતાએ આ પગલું ભરવા માટે પરિવારને મનાવ્યો હોવાનું મનાય છે. ઘરના મોભી વિનુ મોરડિયા રત્નકલાકાર તરીકે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પત્ની શારદા અને 25 વર્ષીય પુત્રી સૈનિતા ઉર્ફે ટીના ઘરમાં જ લેસપટ્ટીનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતાં હતાં, જ્યારે ક્રિશ મોરડિયાએ ધો. 12ની પરીક્ષામાં પાસ થઈ કોલેજમાં અભ્યાસની તૈયારી હાથ ધરી હતી.
ભાઈને કહ્યું, દીકરા દીકરીને સાચવજો...
પત્ની અને બે બાળકો સાથે ઝેરી દવા ગટગટાવ્યા બાદ વિનુભાઈએ પિતરાઈ પ્રવીણભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, મારાં બે બાળકો જે તેમની માસીને ત્યાં છે, તેમની સારસંભાળ રાખજો. આ સાંભળીને એક તબક્કે પ્રવીણભાઈ કંઈ સમજ્યા નહોતા અને વિનુભાઈને મળવા માટે તાત્કાલિક કેનાલ રોડ પર પહોંચ્યા હતા, જ્યાં ભાઈ-ભાભી અને ભત્રીજા અને ભત્રીજી જમીન પર ઢળેલી હાલતમાં પડ્યાં હતાં.
મોટી પુત્રીનો પણ આપઘાતનો પ્રયાસ
સરથાણા વિસ્તારના મોરડિયા પરિવારના સામૂહિક આપઘાતની ઘટના બાદ શનિવારે સવારે મોટી પુત્રીએ પણ બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. પરિવારના ચાર-ચાર સભ્યોનાં મૃત્યુનો આઘાત જીરવી ન શકતાં તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. માતા, બહેન, ભાઈ અને પિતાનાં મૃત્યુના સમાચાર મળતાં રુચિતા વારંવાર બેભાન થઈ જતી હતી. તેણીની મનોસ્થિતિ જોતાં પરિવારના સભ્યો રુચિતાને એકલી છોડી રહ્યા નહોતા. દરમિયાન શનિવારે બાથરૂમમાં ગયેલી રુચિતાએ ફિનાઇલ ગટગટાવ્યું હતું. બાથરૂમમાંથી બહાર નીકળેલી રુચિતાના મોઢામાંથી ફીણ નીકળતું જોઈ પરિવારના સભ્યો ચોંકી ઊઠ્યા હતા.

