ભુજઃ બિપરજોય વાવાઝોડાની આફતને લઈને કચ્છનું વહીવટી તંત્ર સતર્ક છે અને પરિસ્થિતિને જોતાં એનડીઆરએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા ગાંધીધામથી લઈને લખપત તાલુકાના દરિયાકાંઠાનાં ગામોના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.
સ્થિતિને જોતાં કચ્છનું તંત્ર વધુ સતર્ક બન્યું છે. જે મુજબ સરપંચ, તલાટી, મામલતદાર સહિતની ટીમો દ્વારા ગાંધીધામથી લઈને લખપત તાલુકાના કાંઠાપટ્ટાનાં ગામોના લોકોને સાબદા કરવાની સાથે સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 2 ટુકડીઓને
તહેનાત કરવામાં આવી હતી. જેમના દ્વારા ગાંધીધામથી લઈને લખપત તાલુકાના દરિયાકાંઠાનાં 68 ગામોના 8200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
કચ્છની જવાબદારી કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીને
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે સંબંધિત જિલ્લાના તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપનના કામોમાં માર્ગદર્શન માટે રાજ્યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

