અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે. મંગળવારની સ્થિતિ મુજબ વાવાઝોડું પ્રતિકલાક 8 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે, ત્યારે દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.
હવામાન વિભાગની આગાહીના પગલે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે મંગળવારે સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના તટીય વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા 10 નંબરનું અતિભયજનક સિગ્નલ મૂકવામાં આવ્યું છે અને લોકોને દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
ચક્રવાતની ભયાનકતાને જોતાં રાજ્યભરના તટીય વિસ્તારોમાંથી લોકોનું મોટાપાયે સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પણ તકેદારી રાખવામાં આવી છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં પંજાબ અને તામિલનાડુથી એનડીઆરએફની 5 ટીમને તટીય વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 8 હજાર કરોડની 3 મોટી યોજનાની જાહેરાત કરી છે.
ભુજમાં પિતરાઈ ભાઈ-બહેનનાં મોત
ભુજના લખુરાઈ ચાર રસ્તા રહેણાક વિસ્તારમાં ભારે પવનના કારણે બે પિતરાઈ ભાઈ-બહેન ચાર વર્ષીય મોહમ્મદ ઇકબાલ કુંભાર અને તેની છ વર્ષીય પિતરાઈ બહેન શહેનાઝ ફિરોજ કુંભારનાં દીવાલ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યાં હતાં.
હોસ્પિટલ સજ્જ, ડોક્ટરોની રજા રદ્દ
‘બિપરજોય’ નામનું વાવાઝોડું પૂરઝડપે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી તંત્ર પણ સજ્જ બની ગયું છે. ખાસ કરીને દર્દીઓની સારવારમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે રાજકોટની સિવિલને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. સિવિલ અધીક્ષક દ્વારા વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી તમામ તબીબોની રજા રદ્દ કરી નાખવામાં આવી છે. તો ઇમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા માટે 30 બેડનો વોર્ડ તૈયાર કરી લેવામાં આવ્યો છે. એટલું જ નહીં દવાઓનો પૂરતો સ્ટોક કરી જનરેટર પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
હજારોનું સ્થળાંતર
ડિઝાસ્ટર મામલતદાર એમ.એમ. કવાડિયાએ જણાવ્યું કે, વાવાઝોડું જામનગર, દેવભૂમિ દ્વારકાને ધમરોળી કચ્છ તરફ ફંટાશે. સાવચેતીરૂપે દરિયાકાંઠાનાં 120 ગામના 9579 લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. બંદરો પર 10 નંબરનું અતિભયજનક સિગ્નલ લગાવાયું છે.
9 મંત્રીને 8 જિલ્લાની જવાબદારી
રાજ્ય સરકારે સંભવિત આપત્તિ સામે દરિયાકાંઠાના 8 જિલ્લાની જવાબદારી 9 મંત્રીને સોંપી છે. કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટમાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળિયા તેમજ જામનગ૨માં મૂળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથની જવાબદારી પરસોત્તમ સોલંકીને સોંપાઈ છે.
પેકેટ ફૂડની વ્યવસ્થા કરાઈઃ પાટીલ
સી.આર. પાટીલે જણાવ્યું કે, ભાજપ કાર્યાલયે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. અસરગ્રસ્તો માટે ફૂડ પેકટની વ્યવસ્થા કરાઈ છે. ફૂડ પેકેટમાં એક સૂકો નાસ્તો છે, જે બે દિવસ સુધી ખરાબ નહીં થાય. જેને લઈ હાઇજેનિક ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
100 સિંહને શિફ્ટ કરાયા
જૂનાગઢઃ ગુજરાતમાં બિપરજોય ચક્રવાતનું જોખમ ઝળુંબી રહ્યું હોઈ ગીરના જંગલમાં ટ્રેકર્સ દ્વારા સિંહ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત દરિયાકાંઠા નજીકના જંગલમાં રહેલા 100 સિંહને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. જંગલમાં અન્ય સિંહો પર 500 વનકર્મીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે, જેથી સિંહને યોગ્ય સમયે બચાવી શકાય.

